સંજય રાઉતે કંગના રનોટને 'હરામખોર' લડકી કહ્યું, દિયા મિર્ઝા આવી સપોર્ટમા

06 September, 2020 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સંજય રાઉતે કંગના રનોટને 'હરામખોર' લડકી કહ્યું, દિયા મિર્ઝા આવી સપોર્ટમા

કંગના રનોટ, સંજય રાઉત

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતના મામલે ચાલી રહેલા નિવેદનોના સીલસીલા વચ્ચે હવે બૉલીવુડ અભિનેત્રી કંગના રાણાવત (Kangana Ranaut) અને શિવસેના પ્રવક્તા સંજય રાઉત (Sanjay Raut) આમને સામને આવી ગયા છે. કંગના રનોટ અને સંજય રાઉતની વચ્ચે શાબ્દીક યુદ્ધ ચાલી રહ્યું છે. જ્યાં એક બાજુ સંજય રાઉત, કંગના પર વાર કરી રહ્યા છે ત્યાં જ કંગના પણ ડંકાની ચોટ પર પલટવાર કરી રહી છે. પોતાના લેટેસ્ટ પોસ્ટમાં તેણે મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેની સાથે કરવામાં આવેલુ ઉદ્ધતાઈ પુર્વ વર્તનને સૌની સામે લાવી રહી છે.

તાજેતરમાં અભિનેત્રી કંગના રનોટે ટ્વીટ કર્યું હતું કે, ‘2008માં મૂવી માફિયાએ મને પાગલ ઘોષિત કરી દીધી હતી, 2016માં મને ડાયન કહેવામાં આવ્યું અને 2020માં મને સ્ટોકર કહ્યું, મહારાષ્ટ્ર મિનિસ્ટર પબ્લિસિટીએ મને હરામખોર લડકીનું ટાઈટલ આપ્યુ છે. કારણ કે મેં એક મર્ડરની ઘટના બાદ મુંબઈ અસુરક્ષિત હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. ક્યાં છે અસહિષ્ણુતા પર ચર્ચાઓ કરતા વોરિયર?’

હકીકતમાં કંગનાએ આ આરોપો ટ્વીટ દ્વારા મહારાષ્ટ્ર સરકાર પર લગાવ્યા છે. જેમાં એક યુઝરે કંગનાના સપોર્ટમાં લખ્યું હતું કે, ‘સંજય રાઉત કહ્યું છે કંગનાની ટીમે શિવાજી મહારાજના વિરૂદ્ધ કહ્યું છે. આ વાત ખોટી છે. તેણે ક્યારેય મહાન શિવાજી વિરૂદ્ધ કશુ નથી કહ્યું. એક મહિલાને સાર્વજનિક રીતે તાકાતમાં બેઠેલા લોકો ગાળો આપી રહ્યા છે જે પોતાને ‘બોલવાની સ્વતંત્રતા વાળા યોદ્ધા’ ગણાવતા એક શબ્દ પણ નથી બોલતા. શેમ.’

અભિનેત્રી કંગના રનોટના સપોર્ટમાં અભિનેત્રી દિયા મિર્ઝા પણ આવી છે. તેણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'સંજય રાઉત દ્વારા વાપરવામાં આવેલો શબ્દ 'હરામખોર' બહુ ખોટો છે. સાહેબ તમને કંગનાએ જે કહ્યું છે તેના માટે નારાજગી વ્યક્ત કરવાનો અધિકાર છે પરંતુ તમારે આવી ભાષા વાપરવા બદલ માફી માંગવી જ જોઇએ.'

કંગના સાથે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી: સંજય રાઉત

કંગના રનોટના વિવાદમાં શિવસેનાના નેતા અને સંસદસભ્ય સંજય રાઉતે ફરી એક વાર હુંકાર ભરતા કહ્યું છે કે કંગના સાથે વ્યક્તિગત રીતે કોઈ દુશ્મની નથી, પરંતુ મહારાષ્ટ્ર પરની તેની ટિપ્પણી સાંખી નહીં લેવાય. મહારાષ્ટ્રની વિરુદ્ધ જે કોઈ બોલશે તેને હું જવાબ આપીશ જ.

શિવાજી મહારાજ માટે કોઈ પણ ન બોલવાના શબ્દો બોલશે તો તે કોઈ એક રાજકીય પક્ષનો નહીં પરંતુ રાજ્યની ૧૧ કરોડ જનતાનો વિષય છે અને આથી જ વાતનો જવાબ મહારાષ્ટ્રના તમામ લોકો આપશે. મુંબઈમાં જ રહીને મુંબઈમાં જ પોતાની કારકિર્દીનો સૂરજ ઉગતો જોયા બાદ તેને પીઓકે કે પાકિસ્તાન સાથે સરખાવનારે મુંબઈમાં આવવું ન જોઈએ એમ પણ સંજય રાઉતે કહ્યું હતું.

કંગના સામે કાર્યવાહી કરો: કૉન્ગ્રેસ

મુંબઈના રિજનલ કૉન્ગ્રેસ કમિટીના પ્રવક્તા નિઝામુદ્દિન નઇમે ગઈ કાલે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં એક પત્ર આપી કંગના રનોત સામે મુંબઈ પોલીસનું અપમાન કરવા બદલ અને પાકિસ્તાન ઑક્યુપાઈડ કાશ્મીર ગણાવવા બદલ ગુનો નોંધવા માગ કરી હતી. નિઝામુદ્દીન નઇમે એ પત્રમાં કહ્યું છે કે મુંબઈ પોલીસનું અપમાન કરનારી કંગના રનોત મહારાષ્ટ્રને પીઓકે જેવું ગણાવે છે એ જોઈને તે કઈ રીતે વિચારે છે એ સમજી શકાય એમ છે. આમ કરી તેણે ભારતીય દંડ સંહિતાની ઘણીબધી કલમોનો ભંગ કરી ગુનો આચર્યો છે એથી એની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવે. આ સંદર્ભે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિદ્યાસાગર કાલકુન્દ્રેએ ‘મિડ-ડે’ ને કહ્યું હતું કે અમને આ પ્રકારની ફરિયાદ મળી છે અને તેની તપાસ કરી રહ્યા છીએ. અમે કંગના સામે હાલ કોઈ ગુનો નોંધ્યો નથી.

મુંબઈ પોલીસ માટે કરેલી કમેન્ટ બદલ કંગના રનોટ વિરુદ્ધ દાખલ કરવામાં આવી ફરિયાદ

કંગના રનોટે મુંબઈ પોલીસ માટે કરેલી કમેન્ટને કારણે સંતોષ દેશપાંડે નામની વ્યક્તિએ ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કંગનાએ કરેલી ટ્વીટની ચોમેર નિંદા થઈ રહી છે. રાજકારણમાં પણ એના પડઘા સંભળાઈ રહ્યા છે. એ વિશે સંતોષ દેશપાંડેએ કહ્યું હતું કે ‘મેં કંગના વિરુદ્ધ ઑનલાઇન ફરિયાદ નોંધી છે. તેણે કરેલી કમેન્ટ મહારાષ્ટ્રની ગરિમા અને સ્વમાનને ઠેસ પહોંચાડે છે. તેની કમેન્ટ્સ ઉશ્કેરણીજનક છે અને એને કારણે સમગ્ર રાજ્યમાં વિરોધનો જુવાળ ઊભો થઈ શકે એમ છે. અભિનેત્રીએ કરેલી ટ્વીટ્સ વાંધાજનક છે અને એને કારણે લોકોમાં રોષ ભભૂકી ઊઠે એમ છે. તેણે અભિવ્યક્તિની આઝાદી પર પ્રહાર કર્યા છે. તે સોશ્યલ મીડિયાનો દુરુપયોગ કરી રહી છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips kangana ranaut sanjay raut dia mirza