15 April, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમન્થા રુથ પ્રભુ
સાઉથની સુપરસ્ટાર અને બૉલીવુડમાં પોતાની ખાસ ઓળખ બનાવી ચૂકેલી ઍૅક્ટ્રેસ સમન્થા રુથ પ્રભુએ હાલમાં જ ખુલાસો કર્યો છે કે તેણે ગયા વર્ષે લગભગ ૧૫ જેટલી બ્રૅન્ડ્સને એન્ડૉર્સમેન્ટ માટે ના પાડી દીધી હતી જેના કારણે તેને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.
એક ઇન્ટરવ્યુ દરમ્યાન સમન્થાએ બ્રૅન્ડિંગ મામલે પોતાના બદલાયેલા અભિગમ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘મેં બ્રૅન્ડ-એન્ડૉર્સમેન્ટની ઘણી ઑફરોને ના પાડીને કરોડોનું નુકસાન કર્યું છે. હું એન્ડૉર્સમેન્ટને હા પાડતાં પહેલાં બહુ વિચારું છું અને ત્રણ ડૉક્ટર્સની સલાહ લઉં છું જેથી મને ખાતરી મળે કે હું જે પ્રોડક્ટનો પ્રચાર કરી રહી છું એ લોકો અને સમાજના સ્વાસ્થ્ય માટે યોગ્ય છે. હવે હું કોઈ પણ ઑફરને તરત હા નથી પાડી દેતી, કારણ કે મારો હેતુ પૈસા કમાવાનો નથી.’
સમન્થાએ આ ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે ‘મેં જ્યારે ઇન્ડસ્ટ્રીમાં શરૂઆત કરી ત્યારે ઘણી ભૂલો કરી હતી અને સફળતાને જોવાનો મારો અભિગમ અલગ હતો. જોકે હવે મારા વિચારો બદલાયા છે. મને લાગે છે કે સેલિબ્રિટીની પણ પોતાની જવાબદારી હોય છે. મને એમ થાય છે કે મેં વિચાર્યા વગર પહેલાં જે એન્ડૉર્સમેન્ટ કર્યાં છે એના માટે મારે માફી માગવી જોઈએ. હવે હું એવી જ બ્રૅન્ડ એન્ડૉર્સ કરવા ઇચ્છું છું જે લોકો પર હકારાત્મક પ્રતિભાવ પાડે.’