02 December, 2025 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમન્થા રુથ પ્રભુ અને ફિલ્મમેકર રાજ નિદિમોરુ ગઈ કાલે વિવાહના બંધનમાં બંધાઈ ગયાં હતાં
ઍક્ટ્રેસ સમન્થા રુથ પ્રભુ અને ફિલ્મમેકર રાજ નિદિમોરુ ગઈ કાલે વિવાહના બંધનમાં બંધાઈ ગયાં હતાં. આ લગ્ન કોઈમ્બતુરમાં આવેલા સદ્ગુરુ જગ્ગી વાસુદેવના ઈશા યોગ સેન્ટરના લિંગ ભૈરવી મંદિરમાં માત્ર ૩૦ અત્યંત અંગત સ્વજનો અને મિત્રોની હાજરીમાં સંપન્ન થયાં હતાં. સમન્થાએ લગ્ન પછી પોતાના આ સ્પેશ્યલ પ્રસંગની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. લગ્નમાં સમન્થાએ ઝરી-વર્ક ધરાવતી લાલ સાડી પહેરી હતી અને ક્લાસિક બ્રાઇડલ લુક માટે સોનાની જ્વેલરી પહેરી હતી. રાજે સફેદ કુરતા પર બેજ કલરનું નેહરુ જૅકેટ પહેર્યું હતું. લગ્ન પહેલાં આ યુગલે એકમેકને રિંગ પણ પહેરાવી હતી. સમન્થાએ શૅર કરેલી તસવીરોમાં તેની જાયન્ટ રિંગ જોઈ શકાય છે.
સમન્થા અને રાજ બન્નેનાં આ બીજાં લગ્ન છે. સમન્થાએ આ પહેલાં તેલુગુ ફિલ્મોના સ્ટાર નાગ ચૈતન્ય સાથે લગ્ન કર્યાં હતાં. ચાર વર્ષના લગ્નજીવન પછી બન્ને અલગ થયાં એ પછી નાગ ચૈતન્યએ ઍક્ટ્રેસ સોભિતા ધુલિપાલા સાથે લગ્ન કર્યાં હતાં. રાજે ૨૦૨૨માં પ્રથમ પત્ની શ્યામલી ડે સાથે છૂટાછેડા લીધા હતા એવા રિપોર્ટ છે.
રાજ નિદિમોરુ ફિલ્મમેકર જોડી રાજ ઍન્ડ ડી.કે.નો હિસ્સો છે. આ જોડી વેબ-સિરીઝ ‘ધ ફૅમિલી મૅન’, ‘ફર્ઝી’, ‘સિટાડેલ : હની બની’, ‘ગન્સ ઍન્ડ ગુલાબ્સ’ માટે જાણીતી છે. આ જોડીએ ‘શોર ઇન ધ સિટી’, ‘ગો ગોવા ગૉન’ જેવી ફિલ્મો લખી અને ડિરેક્ટ કરી હતી. ‘સ્ત્રી’ના રાઇટર્સ પણ તેઓ જ હતા.
સમન્થા અને રાજ ૨૦૨૧માં આવેલી ‘ધ ફૅમિલી મૅન’ની બીજી સિરીઝના શૂટિંગ વખતે એકમેકની વધુ નિકટ આવ્યાં હતાં. સમન્થાએ ત્યાર બાદ ગયા વર્ષે રાજ સાથે ‘સિટાડેલ : હની બની’માં પણ કામ કર્યું હતું.