હવે તમારાં માતા-પિતા પાસે ઘરે પાછા જાઓ

25 July, 2026 09:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પેપર-લીક મુદ્દે સલમાન ખાને પહેલાં વિદ્યાર્થીઓનો કર્યો સપોર્ટ અને પછી આપી સલાહ

સલમાન ખાન

પેપર-લીક મુદ્દે દિલ્હીમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ-પ્રદર્શનને લઈને અભિનેતા સલમાન ખાને બુધવારે વિદ્યાર્થીઓ માટે સમર્થન વ્યક્ત કર્યું હતું. જોકે બીજા જ દિવસે ગુરુવારે તેણે નવી પોસ્ટ કરીને વિદ્યાર્થીઓને વિરોધ-પ્રદર્શન સમાપ્ત કરીને ઘરે પરત જવાની અપીલ કરી હતી. આ સાથે જ તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પેપર-લીક માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરશે. પોતાની પોસ્ટમાં સલમાને સોનમ વાંગચુકને પણ ભૂખહડતાળ સમાપ્ત કરવાની અપીલ કરી હતી.

સલમાને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘અભ્યાસ અને સુરક્ષા બન્ને બાબતોમાં વિદ્યાર્થીઓ દેશની પ્રથમ પ્રાથમિકતા છે તેથી વિદ્યાર્થીઓ અને તેમનાં માતા-પિતાએ ચિંતા કરવાની જરૂર નથી. માનનીય વડા પ્રધાને આશ્વાસન આપ્યું છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પેપર-લીક માટે જવાબદાર તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેથી વિદ્યાર્થીઓ હવે તમારા માતા-પિતા પાસે ઘરે પરત જાઓ.’

સલમાને પોતાની પોસ્ટમાં સોનમ વાંગચુકને સંબોધીને વધુમાં લખ્યું હતું કે ‘સોનમ, હવે બસ કરો. આ મુદ્દાને વધુ આગળ ન ખેંચો. તમારો આ જુસ્સો ભવિષ્યમાં જરૂર પડે તો એના માટે સાચવી રાખો. જોકે મને આશા છે કે એની જરૂર નહીં પડે. હવે કંઈક ખાઈ લો. જો ઇચ્છો તો હું મારા ઘરેથી જમવાનું મોકલી આપીશ.’ યોગાનુયોગ સલમાનની આ પોસ્ટના થોડા સમય પછી જ સોનમ વાંગચુકે પોતાની ભૂખહડતાળ સમાપ્ત કરી હતી.

neet exam Salman Khan bollywood buzz bollywood news bollywood gossips entertainment news Sonam Wangchuk cockroach janata party