04 July, 2026 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અટવાઈ ગઈ છે સલમાન ખાનની માતૃભૂમિ
૨૦૨૦માં ભારતની અને ચીનની સેના વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ પર આધારિત સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ પહેલાં ઈદના અવસરે ૧૭ એપ્રિલે રિલીઝ થવાની હતી. એ સમયે ફિલ્મનું નામ ‘બૅટલ ઑફ ગલવાન’ હતું, પણ પછી એને બદલીને ‘માતૃભૂમિ’ રાખવામાં આવ્યું હતું. એ સમયે એવી ધારણા હતી કે ફિલ્મ ઑગસ્ટમાં રિલીઝ થશે. ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ એને લઈને ચીનમાં વિવાદ શરૂ થઈ ગયો હતો. ફિલ્મનું ટીઝર ઑનલાઇન આવ્યા બાદ ચીનના અનેક લોકોએ ફિલ્મ પર ગલવાન ઘાટીની અથડામણને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે રિપોર્ટ છે કે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશને ફિલ્મને અટકાવી દીધી છે જેના કારણે ઑગસ્ટ સુધી ફિલ્મ રિલીઝ થવાની શક્યતા ખૂબ ઓછી માનવામાં આવી રહી છે.