20 July, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
સલમાન ખાનની આગામી ફિલ્મ ‘બૅટલ ઑફ ગલવાન’ વૉર-ફિલ્મ છે અને એમાં તે અનોખા લુકમાં જોવા મળશે. સામાન્ય રીતે સલમાનની ફિલ્મો ઈદ દરમ્યાન રિલીઝ થાય છે, પરંતુ ઘણા રિપોર્ટ્સ અનુસાર ‘બૅટલ ઑફ ગલવાન’ ઈદના અવસરે રિલીઝ નહીં થાય. હાલમાં એક ઇન્ટરવ્યુમાં સલમાને જણાવ્યું છે કે આ ફિલ્મ જાન્યુઆરીમાં આવશે.
આ ઇન્ટરવ્યુમાં ‘બૅટલ ઑફ ગલવાન’ વિશેની પોતાની તૈયારી વિશે વાત કરતાં ૫૯ વર્ષના સલમાને કહ્યું હતું કે ‘આ ફિલ્મની ટ્રેઇનિંગ બહુ ડિમાન્ડિંગ છે. દર વર્ષે, દર મહિને અને દર કલાકે આ વધુ ને વધુ મુશ્કેલ બનતું જાય છે. એને ઘણો સમય આપવો પડે છે. અગાઉ એક કે બે અઠવાડિયાંમાં તૈયારી થઈ જતી હતી, હવે થોડો વધુ સમય કાઢવો પડે છે. હું રોજ દોડું છું, કિક કરું છું, પન્ચિંગ કરું છું. આ ફિલ્મમાં આ બધું કરવાની જરૂર છે. આ ફિલ્મની તાલીમ વધુ પડકારજનક છે. હું લદ્દાખમાં ઊંચાઈવાળા વિસ્તારમાં શૂટિંગ કરી રહ્યો છું. ત્યાં ઠંડા પાણીમાં કામ કરવાનું છે. ફિલ્મ સાઇન કરતી વખતે લાગ્યું હતું કે આ અદ્ભુત છે, પરંતુ આ ખૂબ જ મુશ્કેલ છે. મારે ૨૦ દિવસ લદ્દાખમાં રહેવાનું છે અને સાતથી ૮ દિવસ ઠંડા પાણીમાં શૂટિંગ કરવાનું છે.’