01 August, 2025 07:11 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
સલમાન ખાન ઘણાં વર્ષોથી ૧૯૯૮ના કાળા હરણ શિકાર કેસમાં કાનૂની વિવાદમાં ફસાયેલો છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે રાજસ્થાન હાઈ કોર્ટ ૨૨ સપ્ટેમ્બરે સલમાન ખાનની પાંચ વર્ષની જેલની સજાની અપીલ પર સુનાવણી કરશે. આ મામલામાં ટ્રાયલ કોર્ટે ૨૦૧૮ની ૫ાંચમી એપ્રિલે સલમાન ખાનને દોષી ઠેરવ્યો હતો અને પાંચ વર્ષની જેલની સજા સંભળાવી હતી; જ્યારે સહ-આરોપીઓ સૈફ અલી ખાન, તબુ, સોનાલી બેન્દ્રે, નીલમ અને સ્થાનિક નિવાસી દુષ્યંત સિંહને નિર્દોષ છોડી મૂક્યાં હતાં.
હાઈ કોર્ટમાં સુનાવણી
હવે આ મામલાની હાઈ કોર્ટમાં સુનાવણી થશે જેમાં જસ્ટિસ મનોજ કુમાર ગર્ગ આ સુનાવણીની અધ્યક્ષતા કરશે. આમાં રાજસ્થાન સરકારની એ અરજી પર પણ સુનાવણી થશે જેમાં સૈફ અલી ખાન, તબુ, સોનાલી બેન્દ્રે, નીલમ અને દુષ્યંત સિંહને નિર્દોષ છોડવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. આ બન્ને કેસ ઘણાં વર્ષોથી પેન્ડિંગ છે અને હવે એની સુનાવણી એકસાથે થશે. આ કેસ ૧૯૯૮નો છે જ્યારે ‘હમ સાથ સાથ હૈં’ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન અને તેના સહકલાકારો સૈફ અલી ખાન, તબુ, સોનાલી બેન્દ્રે, નીલમ અને દુષ્યંત સિંહ પર જોધપુર નજીક કાંકણી ગામમાં બે કાળાં હરણના શિકારનો આરોપ લાગ્યો હતો. ચિંકારા તરીકે ઓળખાતાં કાળાં હરણ વન્યજીવ સુરક્ષા અધિનિયમ, 1972 હેઠળ સંરક્ષિત પ્રજાતિ છે. ૨૦૧૮ની ૫ એપ્રિલના ટ્રાયલ કોર્ટે સલમાન ખાનને દોષી ઠેરવ્યો હતો અને પાંચ વર્ષની જેલની સજા ફટકારી, પરંતુ ૭ એપ્રિલે તેને જામીન મળ્યા હતા.