સૈફે દીકરા તૈમૂરને દેખાડી આદિપુરુષ પણ આખરે માગવી પડી માફી

06 May, 2025 07:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૭૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ સાબિત થઈ હતી.

તૈમુર અને સૈફ અલી ખાન

સૈફ અલી ખાન અને કરીના કપૂરના નવ વર્ષના દીકરા તૈમૂરે હાલમાં જ તેના પપ્પાની ફિલ્મ ‘આદિપુરુષ’ જોઈ, પણ તેને આ ફિલ્મ ખાસ પસંદ પડી નહોતી જેના કારણે સૈફે દીકરાની માફી માગવી પડી હતી.

સૈફ અને જયદીપ અહલાવત હાલમાં તેમની લેટેસ્ટ ફિલ્મ ‘જ્વેલથીફ: ધ હાઇસ્ટ બિગિન્સ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આવા જ એક પ્રમોશન દરમ્યાન જયદીપ જર્નલિસ્ટના રોલમાં જોવા મળ્યો હતો અને તેણે સૈફને સવાલ કર્યો કે શું તેનાં બાળકો તેની કોઈ ફિલ્મ જુએ છે? ત્યારે જવાબ આપતાં સૈફે કહ્યું, ‘મેં હાલમાં જ તૈમૂરને ‘આદિપુરુષ’ દેખાડી. થોડા સમય પછી તેણે મને વિચિત્ર રીતે જોવાનું શરૂ કર્યું. આ પછી મેં તેને આખરે કહી દીધું કે ‘સૉરી’. આ પછી તેણે મને કહ્યું કે કોઈ વાંધો નહીં. આખરે તેણે મને માફ કરી દીધો.’ 
સૈફે આ વાત કરી એને પગલે એવી ચર્ચા શરૂ થઈ હતી કે તેણે પોતાની જ ફિલ્મને ઉતારી પાડી છે, પણ પછી તેણે સ્પષ્ટતા કરી હતી કે હું આ ફિલ્મમાં વિલન બન્યો એ બદલ તૈમૂરની માફી માગી હતી.

સૈફ અલી ખાનની ‘આદિપુરુષ’ બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે પ્રભાસ અને ક્રિતી સૅનન પણ હતાં. ડિરેક્ટર ઓમ રાઉતની આ ફિલ્મમાં રામાયણ મહાકાવ્યને શાનદાર રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ બનાવવા માટે ૭૦૦ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં એના નબળાં VFX, બોરિંગ ડાયલૉગ્સ અને નીરસ સ્ટોરીને કારણે ફિલ્મની આકરી ટીકા કરવામાં આવી હતી.

adipurush saif ali khan taimur ali khan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news