31 July, 2026 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામાયણ
‘રામાયણ’ ફિલ્મ માટે ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે ત્યારે ‘રામાયણ’ સિરિયલ બનાવીને લોકપ્રિયતા મેળવનારી પ્રોડક્શન કંપની સાગર પિક્ચર્સ એન્ટરટેઇનમેન્ટે ‘શ્રીમદ્ ભાગવતમ’ પર આધારિત ૭ ફિલ્મોની સિનેમૅટિક ફ્રૅન્ચાઇઝ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી છે. કંપનીનો ઉદ્દેશ ભારતીય આધ્યાત્મિક અને પૌરાણિક વારસાને આધુનિક ટેક્નૉલૉજી અને ભવ્ય સિનેમૅટિક રજૂઆત સાથે વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડવાનો છે.
આ ફ્રૅન્ચાઇઝની પ્રથમ ફિલ્મ ‘શ્રીમદ્ ભાગવતમ : પાર્ટ 1’ હશે. આ ફિલ્મમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન અને શ્રીમદ્ ભાગવતમમાં વર્ણવાયેલા પ્રસંગોને આધુનિક સિનેમૅટિક શૈલીમાં રજૂ થશે. ફિલ્મનું નિર્માણ ઘણાં વર્ષોનાં સંશોધન અને પૌરાણિક અભ્યાસ બાદ કરવામાં આવી રહ્યું છે. સાગર પિક્ચર્સે અગાઉ ટેલિવિઝન પર ‘રામાયણ’, ‘શ્રીકૃષ્ણ’ અને અન્ય અનેક લોકપ્રિય પૌરાણિક ધારાવાહિકો દ્વારા વિશેષ ઓળખ બનાવી હતી. હવે કંપની આ અનુભવને મોટા પડદા પર વૈશ્વિક સ્તરે લઈ જવા ઇચ્છે છે.