05 August, 2023 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચન્કી પાંડે
ગ્લૅમર પ્રોફેશનમાં અફવાઓ તો ફેલાયા કરે છે, એવું ચંકી પાન્ડેએ જણાવ્યું છે. આ વાત તેણે તેની દીકરી અનન્યા પાન્ડેના આદિત્ય રૉય કપૂર સાથેના કથિત રિલેશનને લઈને કહી છે. અનન્યા અને આદિત્ય થોડા સમય પહેલાં પોર્ટુગલમાં વેકેશન મનાવવા ગયાં હતાં. એનો ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. દીકરીના રિલેશનને લઈને ચંકી પાન્ડેએ કહ્યું કે ‘આવું તો થવાનું જ છે. એવું કહેવાય છે કે જીવવાનું અને મરવાનું આત્મા સાથે છે. ઠીક એ રીતે અમે ગ્લૅમર પ્રોફેશનમાં છીએ તો આવું તો થવાનું છે. આ એક પ્રકારે નુકસાન છે. એનાથી તમે બચી ન શકો.’ તેને પૂછવામાં આવ્યું હતું કે શું તેણે કદી પણ અનન્યા કે તેની નાની બહેન રાયસાના બૉયફ્રેન્ડ્સને રિજેક્ટ કર્યા છે? એનો જવાબ આપતાં ચંકી પાન્ડેએ કહ્યું કે ‘એવું કરવાની મને જરૂર નથી પડી. તેઓ જાતે જ રિજેક્ટ કરે છે.’