28 August, 2026 12:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિચા ચઢ્ઢા
રિચા ચઢ્ઢાએ આ વર્ષે ઓણમની ઉજવણી કંઈક ખાસ રીતે કરી હતી. તે પોતાની દીકરી જુનેરા સાથે કેરલમના ગુરુપુરમ શ્રી મહાવિષ્ણુ મંદિરે પહોંચી હતી. રિચા ત્યાં મંદિરને હાથીના કદનો મેકૅનિકલ હાથી ‘ગુરુપુરમ અર્જુનન’ ભેટ આપવાના હેતુથી ગઈ હતી અને તેણે સોશ્યલ મીડિયામાં આ વાતની જાણ કરી હતી.
રિચાએ પોસ્ટ કરેલી તસવીરોમાં પરંપરાગત સફેદ અને ગોલ્ડન સાડીમાં સજ્જ રિચા પોતાની દીકરી સાથે હાથીની સામે ઊભેલી જોવા મળી હતી. જુનેરાએ પણ પરંપરાગત ઓણમ ડ્રેસ પહેર્યો હતો. રિચા મંદિરમાં ‘ગુરુપુરમ અર્જુનન’ના અનાવરણનો પણ ભાગ બની હતી.
આ ખાસ ઓણમ ઉજવણીનો હિસ્સો બનવા વિશે રિચાએ કહ્યું હતું કે ‘વ્યક્તિગત રીતે અહીં હાજર રહીને આટલા સુંદર અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ વાતાવરણમાં ઓણમની ઉજવણી કરવી મારા માટે ખૂબ જ ખાસ અનુભવ હતો. મારી દીકરી સાથે અહીં હોવાને કારણે આ ક્ષણ વધુ ખાસ બની હતી. તેને ઉત્સવ, રંગોનો આનંદ લેતી અને પરંપરાઓમાં સામેલ થતી જોવી ખરેખર ખૂબ જ ખાસ લાગ્યું. અમે તેના માટે ખાસ ઓણમ ડ્રેસ પણ બનાવડાવ્યો હતો જેથી તે આ પ્રસંગ માટે ખાસ તૈયાર થઈ શકે. આપણા તહેવારો અને પરંપરાઓ આપણા વ્યક્તિત્વનો અભિન્ન હિસ્સો છે. મારું માનવું છે કે આપણી સંસ્કૃતિને અપનાવવાનો અર્થ એ પણ છે કે ટેક્નૉલૉજીની મદદથી આપણે આ પરંપરાઓને વધુ કરુણાપૂર્ણ રીતે કેવી રીતે આગળ લઈ જઈ શકીએ એ સમજવું. કોઈ પરંપરાને વધુ દયાળુ અને વિચારશીલ રીતે ઊજવવાની સાથે જાળવી રાખવામાં આવે એ જોવું ખરેખર સુંદર બાબત છે.’