ઇજિપ્તના ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપશે રિચા ચઢ્ઢા અને અલી ફઝલ

17 October, 2020 08:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇજિપ્તના ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપશે રિચા ચઢ્ઢા અને અલી ફઝલ

અલી ફઝલ, રિચા ચઢ્ઢા

ઇજિપ્તમાં આયોજિત ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ થવા માટે રિચા ચઢ્ઢા અને અલી ફઝલ હાજરી આપતાં જોવા મળશે. ૨૩ ઑક્ટોબરથી શરૂ થનાર આ ફેસ્ટિવલ ૩૦ ઑક્ટોબર સુધી ચાલુ રહેવાનો છે. કોરોનાના કાળમાં આ પહેલો ફેસ્ટિવલ આયોજિત થવાનો છે. સોશ્યલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને મોટા ભાગના કાર્યક્રમો વર્ચ્યુઅલી આયોજિત કરવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં વિમેન એમ્પાવરમેન્ટ પૅનલ ડિસ્કશનમાં રિચા જોડાવાની છે. એ સંદર્ભે ખુશી વ્યક્ત કરતાં રિચાએ કહ્યું હતું કે ‘હું પૅનલ ડિસ્કશનમાં સામેલ થવા માટે ઉત્સાહિત છું. એમાં સામેલ મુદ્દા પર ચર્ચા થવી જરૂરી છે, કારણ કે એના દ્વારા સંસ્કૃતિ યોગ્ય દિશામાં આગળ વધે. વિશ્વભરમાં મહિલાઓનો જે રીતે ડંકો વાગી રહ્યો છે એને જોતાં એ વિષય પર ચર્ચા, ડિબેટ અને એને વિસ્તારપૂર્વક જાણવું અગત્યનું છે. 2020માં જેન્ડર સમાનતા વિશે ચર્ચા કરવી જરૂરી છે અને એ ત્યારે જ શક્ય બનશે જ્યારે મહિલાઓને સશક્ત બનાવવામાં આવશે, જેમને ઘણા સમયથી કોઈ અગત્ય નથી આપવામાં આવતી.’

આ ફેસ્ટિવલમાં અલી ફઝલ શૉર્ટ ફિલ્મને જજ કરવાની જ્યુરી ટીમમાં સામેલ થવાનો છે. પૂરા વિશ્વમાંથી આવેલી એન્ટ્રીઝમાંથી તેમને કોઈ પણ ૪ બેસ્ટ શૉર્ટ ફિલ્મને પસંદ કરવાની રહેશે. આ ટીમમાં તેની સાથે ટ્યુનિશિયાના ફિલ્મ ડિરેક્ટર રાજા અમારી, સિરિયાના ઍક્ટર કિન્ડા અલૌશ અને આર્જેન્ટિનાના ફિલ્મમેકર સેન્ટિયાગો અમીગોરના સામેલ છે. વિજેતાને ૩૧ હજાર યુએસ ડૉલરનું ઇનામ મળશે. ફેસ્ટિવલ વિશે અલી ફઝલે કહ્યું હતું કે ‘વિશ્વના તમામ લોકો માટે આ વર્ષ ખૂબ જ ભયાવહ રહ્યું છે. એવામાં હું વ્યક્તિગત રીતે આ ઇવેન્ટમાં સામેલ થવાનો છું. જોકે જોખમ તો પીછો કરી જ રહ્યું છે. એનાથી એક આશા જાગે છે કે જલદી જ વિશ્વમાં બધું ઠીક થઈ જશે. હું ઢગલાબંધ શૉર્ટ ફિલ્મ્સ જોવા માટે અને લોકો સાથે વાતચીત કરવા માટે આતુર છું.’

entertainment news bollywood bollywood news egypt ali fazal richa chadha richa chadda