10 December, 2025 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિયા ચક્રવર્તી
પહેલાં સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ અને પછી સુશાંતના અકળ મોતના કેસની શકમંદ તરીકે વધુ જાણીતી રિયા ચક્રવર્તી પોતાની પર્સનલ લાઇફ કરતાં વધુ હવે પોતાની પ્રોફેશનલ લાઇફ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેણે પોતાની બ્રૅન્ડ શરૂ કરી છે અને સાથે-સાથે પૉડકાસ્ટ પણ શરૂ કર્યું છે. હાલમાં તેના પૉડકાસ્ટ ‘ચૅપ્ટર 2’માં ગેસ્ટ તરીકે હુમા કુરેશી આવી હતી. રિયાએ અહીં હુમા સાથે તેની પર્સનલ લાઇફ વિશે ખુલ્લી ચર્ચા કરી હતી. આ દરમ્યાન રિયાએ ખુલાસો કર્યો કે તે એગ ફ્રીઝ કરાવવાનો વિચાર કરી રહી છે અને એ માટે તેણે ગાયનેકોલૉજિસ્ટ સાથે કન્સલ્ટેશન પણ કર્યું છે.
આ મામલે હુમા સાથે વાત કરતાં રિયાએ કહ્યું હતું કે ‘હું ૩૩ વર્ષની છું અને થોડા સમય પહેલાં એગ ફ્રીઝ કરાવવા માટે ગાયનેકોલૉજિસ્ટ પાસે ગઈ હતી. હું આ કરાવવાનો વિચાર કરી રહી છું. આ કેટલું વિચિત્ર છે. તમારી બૉડી-ક્લૉક કહે છે કે હવે તમારે બાળકો કરી લેવાં જોઈએ, પરંતુ તમારું મન કહે છે કે તમારી પાસે પહેલેથી જ એક બાળક છે અને એ છે તમારી બ્રૅન્ડ, તમારો બિઝનેસ અને એ બાળકનો પણ તમારે ઉછેર કરવાનો છે. હું લગ્ન માટે કોઈ નિશ્ચિત ઉંમરમાં વિશ્વાસ રાખતી નથી અને જીવનમાં લગ્ન મોડાં થાય તો તેને કોઈ વાંધો નથી.’