રવિ કિશને કરીઅરનો પહેલો ફિલ્મફેર અવૉર્ડ ગુરુ ગોરખનાથજીનાં ચરણોમાં કર્યો સમર્પિત

17 October, 2025 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૩ વર્ષની કરીઅરમાં રવિ કિશને પહેલી વખત ફિલ્મફેર અવૉર્ડ જીત્યો છે

ગુરુ ગોરખનાથજીનાં ચરણોમાં ફિલ્મફેર અવૉર્ડ સમર્પિત કર્યો રવિ કિશને

‘લાપતા લેડીઝ’ માટે બેસ્ટ સપોર્ટિંગ રોલ (મેલ) કૅટેગરીમાં ફિલ્મફેર અવૉર્ડ જીત્યા પછી રવિ કિશન ખુશખુશાલ છે. ૩૩ વર્ષની કરીઅરમાં રવિ કિશને પહેલી વખત ફિલ્મફેર અવૉર્ડ જીત્યો છે. અવૉર્ડ મેળવ્યા પછી રવિ કિશન પ્રથમ વખત તેમના સંસદીય વિસ્તાર ગોરખપુર પહોંચ્યા હતા અને તેમણે ફિલ્મફેરની ટ્રોફી લઈને ગોરખનાથ મંદિરમાં દર્શન કર્યાં હતાં. તેમણે પોતાની ખુશી શૅર કરતાં કહ્યું કે આ અવૉર્ડ મેળવ્યા પછી તે હવે રૉકેટ જેવા ઉત્સાહિત છે. ગોરખપુરમાં પણ લોકોએ રવિ કિશનનું ભવ્ય સ્વાગત કર્યું અને ટ્રોફી સાથે તસવીરો ક્લિક કરાવી. રવિ કિશને સોશ્યલ મીડિયામાં આ તસવીરો શૅર કરીને લખ્યું છે, ‘ફિલ્મફેર પુરસ્કારથી સન્માનિત થયા પછી ગોરખપુર પ્રથમ આગમન પર દેવતુલ્ય કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા કરવામાં આવેલા ઐતિહાસિક અને ભવ્ય સ્વાગતે હૃદયને ભાવવિભોર કરી દીધું. આ સિદ્ધિ માત્ર મારી નથી પરંતુ ગોરખપુરની માટી, તમામના વિશ્વાસ અને વર્ષોના સહયોગની જીત છે.’

રવિ કિશને આગળ લખ્યું, ‘ગોરખપુર આગમનની સાથે તરત જ આ સન્માનને ગુરુ ગોરખનાથજીનાં ચરણોમાં સમર્પિત કર્યું. આ પુરસ્કાર તેમની કૃપા, સાધના અને આશીર્વાદનું ફળ છે. તેમનાં ચરણોમાં નમન કરતાં જ આ સંકલ્પ છે કે આગળ પણ સમર્પણ અને નિષ્ઠા સાથે ગોરખપુર અને દેશનું ગૌરવ વધારતો રહીશ. તમામના સ્નેહ, સમર્થન અને આત્મીય સ્વાગત માટે હૃદયપૂર્વક આભાર.’

ravi kishan filmfare awards laapataa ladies gorakhpur entertainment news bollywood bollywood news