03 October, 2025 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવીના ટંડન
થોડા સમય પહેલાં અમદાવાદમાં થયેલી ઍર ઇન્ડિયાની દુર્ઘટના પછી રવીના ટંડને આ ઍરલાઇનમાં ટ્રાવેલ કરીને એને સપોર્ટ આપતી પોસ્ટ કરી હતી. જોકે હવે તેણે ઍર ઇન્ડિયાને પાલતુ પ્રાણીઓ માટે વધારે સારી વ્યવસ્થા કરવાની વિનંતી કરી છે અને કહ્યું છે કે આ મામલે ઍર ઇન્ડિયાએ અકાસા ઍર પાસેથી શીખવું જોઈએ. તાજેતરમાં અકાસા ઍર દ્વારા ‘પેટ્સ ઑન અકાસા’ નામની સેવા શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત યાત્રીઓ હવે અકાસા ઍરમાં બે પાલતુ પ્રાણીઓ લઈ જઈ શકશે અને આનું બુકિંગ માત્ર ૨૪ કલાક પહેલાં પણ થઈ શકશે.
આ પછી રવીના ટંડને આ ન્યુઝ સોશ્યલ મીડિયાની પોસ્ટમાં શૅર કરીને જણાવ્યું છે કે ‘ઍર ઇન્ડિયા શીખી જાઓ. ક્યારેક તમે પેટ પેરન્ટ્સને મુસીબતમાં મૂકી દો છો. અમારા બેબીઝ ફ્લાઇટમાં મોટા ભાગના માનવ-મુસાફરો કરતાં વધારે સારો વ્યવહાર કરે છે.’
રવીના પોતે ઍનિમલ-લવર છે અને તેની પાસે ઘણા ડૉગ્સ છે. તેણે ઘણાં પ્રાણીઓ અને ડૉગ્સને રેસ્ક્યુ કરીને અડૉપ્ટ કર્યાં છે.