05 August, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રત્ના પાઠક
ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં દેખાવ ખૂબ મહત્ત્વ રાખે છે. અભિનેત્રીઓ ઘણી વાર સુંદર દેખાવા માટે કૉસ્મેટિક સર્જરી, ફિલર્સ અને બોટોક્સ જેવી પ્રક્રિયાઓ કરાવે છે જેથી પડદા પર આકર્ષક લાગે. જોકે આ સંજોગોમાં નસીરુદ્દીન શાહનાં પત્ની રત્ના પાઠકે વાળને હેરકલર ન કરીને વયને અનુરૂપ સફેદ જ રાખવાના નિર્ણયની કરીઅર પર પડેલી અસર વિશે વાત કરી છે.
રત્ના પાઠકે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘મને મારા પતિએ વાળને કલર ન કરવાની સલાહ આપી હતી જેના કારણે મારા હાથમાંથી કામની અનેક ઑફર્સ સરકી ગઈ હતી, પણ મને જીવનને એના મૂળ સ્વરૂપે સ્વીકારવામાં મદદ મળી હતી. મારું માનવું છે કે એક અભિનેતા માટે પોતાની ઉંમર સ્વીકારવી સરળ નથી, પરંતુ જે જીવનમાં આગળ જતાં નિશ્ચિત છે એનાથી કેટલો સમય બચશો કે છુપાશો? જેટલું આપણે એનાથી બચીએ છીએ એટલા જ મૂરખ લાગીએ છીએ. આનાથી તકલીફ તો થઈ, કારણ કે મારું કામ નિશ્ચિતપણે ઓછું થયું. મને ઑફર્સ ઓછી મળવા લાગી, કારણ કે મારી સામે જે અભિનેતાઓ કામ કરી શકે છે તેઓ હજી પણ હેરકલર કરે છે.’