રણવીર શૌરી કોરોના થવા માટે પોતાને જવાબદાર ગણે છે

23 February, 2021 11:41 AM IST  |  Mumbai | Mumbai correspondent

રણવીર શૌરી કોરોના થવા માટે પોતાને જવાબદાર ગણે છે

રણવીર શૌરી કોરોના થવા માટે પોતાને જવાબદાર ગણે છે

રણવીર શૌરીનું કહેવું છે કે તેની બેદરકારીને કારણે જ તેને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. તેનું માનવું છે કે કોરોનાની વૅક્સિન આવતાં જ લોકો બિન્દાસ ફરવા લાગ્યા છે. તેને કન્જંક્ટિવાઇટિસ થયા બાદ કોરોના થયો હતો એ વિશે રણવીરે કહ્યું હતું કે ‘મને લાગે છે કે વૅક્સિનની જાહેરાત થતાં જ લોકો બેદરકાર બની ગયા છે. મને આંખોથી કોરોનાનું સંક્રમણ લાગ્યું છે, કારણ કે શૂટિંગ દરમ્યાન આંખોનો મેકઅપ કરતી વખતે મેં હાથની સ્વચ્છતા પર ધ્યાન નહોતું આપ્યું. એને કારણે મને કન્જંક્ટિવાઇટિસ થયું, બાદમાં એ કોરોનામાં પરિણમ્યું. આપણે સૌએ આપણી સલામતીની ખાસ કાળજી રાખવી જોઈએ. વાઇરસ હજી પણ છે. દરેક વ્યક્તિને વૅક્સિન મળે અને વાઇરસનો નાશ થાય એ માટે હજી ઘણો સમય લાગશે.’
સેલ્ફ-ક્વૉરન્ટીન વિશે રણવીરે કહ્યું હતું કે ‘હું મારી રૂમમાંથી એક અઠવાડિયાથી બહાર નથી નીકળ્યો. દરવાજા પાસે જ મને ભોજન મળી જાય છે અને ડૉક્ટર્સ મને યોગ્ય સારવાર આપે છે. ભગવાનની કૃપા રહી તો હું આગામી ચાર દિવસોની અંદર એમાંથી બહાર આ‍વી જઈશ. મારા સ્ટાફને મારી રૂમમાં આવવાની પરવાનગી નથી. મારા પિતા ૯૧ વર્ષના છે અને પોતાની રૂમમાં આઇસોલેટ છે. મારા દીકરાને તો મેં તેની મમ્મી (કોંકણા સેન શર્મા) પાસે મોકલ્યો છે. દરેક જણ સાથ સહકાર આપે છે અને દરકાર લે છે.’
કન્જંક્ટિવાઇટિસની સાથે અન્ય લક્ષણો પણ દેખાતાં જાતે જ ટેસ્ટ કરાવી હતી. એ સંદર્ભે રણવીરે કહ્યું હતું કે ‘આ બધું કન્જંક્ટિવાઇટિસની સાથે શરૂ થયું છે. મને જાણ નથી કેમ, પરંતુ મને એવી શંકા હતી કે કદાચ કોરોનાનું સંક્રમણ પણ થઈ શકે છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે કન્જંક્ટિવાઇટિસ પણ કોરોનાનું લક્ષણ છે. એથી મેં ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. મને નાકના બ્લૉકેજિસ, શ્વાસ લેવામાં તકલીફ અને શરીરમાં દુખાવો થતો હતો. કન્જંક્ટિવાઇટિસ તો ગયું અને અન્ય લક્ષણો પણ ઘટી ગયાં છે. હું નસીબદાર હતો કે મને આ વાઇરસનાં ગંભીર લક્ષણો નહોતાં. જોકે અન્ય લોકો એટલા નસીબદાર નથી હોતા. જોકે ભવિષ્યમાં હું લકી હોઉં એ કદાચ ન પણ બને.’

bollywood bollywood news bollywood ssips ranvir shorey coronavirus covid19