ડૅનિયલ ડે-લુઇસથી ઇન્સ્પાયર થયો હતો રણવીર

11 January, 2022 07:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેનું કહેવું છે કે શેપ-શિફ્ટિંગમાં માહેર હોય એવા ઍક્ટર્સ તેને ખૂબ જ પસંદ છે

રણવીર સિંહ

રણવીર સિંહનું કહેવું છે કે દરેક ફિલ્મ માટે પોતાની બૉડીને ટ્રાન્સફૉર્મ કરવાની પ્રેરણા તેને બ્રિટિશ-આઇરિશ ઍક્ટર ડૅનિયલ ડે-લુઇસ પાસેથી મળી છે. ‘83’માં રણવીરે કપિલ દેવનું પાત્ર ભજવ્યું છે. આ પાત્ર માટે તેણે તેની બૉડી પણ ટ્રાન્સફૉર્મ કરી હતી. તેણે ‘ગલી બૉય’ અને ‘સિમ્બા’ માટે પણ પોતાની બૉડી ટ્રાન્સફૉર્મ કરી હતી. આ વિશે વાત કરતાં રણવીરે કહ્યું હતું કે ‘હું હંમેશાં એવાં પાત્ર પસંદ કરું છું જે એકબીજાથી અલગ હોય. હું પોતે જ્યારે ટ્રાન્સફૉર્મ કરતો હતો ત્યારે હું શેપ-શિફ્ટિંગમાં માહેર એવા તમામ ઍક્ટર્સ સાથે પોતાનો લગાવ મહેસૂસ કરી રહ્યો હતો. ડૅનિયલ ડે-લુઇસ એમાંના એક કલાકાર છે જેઓ દરેક પાત્રમાં પોતાને ઢાળી શકતા હતા. તેમની તમે અલગ-અલગ ફિલ્મ જુઓ તો તમને લાગશે કે બે અલગ-અલગ વ્યક્તિએ એ ફિલ્મ કરી છે અને એનાથી હું ખૂબ જ આશ્ચર્યચકિત છું. હું પણ એવો ઍક્ટર બનવાની કોશિશ કરી રહ્યો છું. મારી પણ એવી ઇચ્છા છે.’
ઍક્ટર તરીકે આવતી ચૅલેન્જ વિશે રણવીરે કહ્યું હતું કે ‘મને ખૂબ જ ચૅલેન્જિંગ રોલ કરવાની મજા આવે છે. મને આવાં પાત્રોથી ખૂબ જ ડર પણ લાગે છે. સંજય લીલા ભણસાલીએ અલાઉદ્દીન ખિલજી, કબીર ખાને કપિલ દેવ અને રોહિત શેટ્ટીએ સિમ્બાનું પાત્ર ઑફર કર્યું ત્યારે મને ડર લાગ્યો હતો. શરૂઆતમાં હું નર્વસ મહેસૂસ કરું છું, પરંતુ આ પણ એક એનર્જી છે. આ વાત હું શ્રીકાંતજી પાસેથી શીખ્યો છું. ‘83’ના પ્રમોશન દરમ્યાન મને તેમની સાથે સમય પસાર કરવાનો ચાન્સ મળ્યો હતો. તેમણે મને સમજાવ્યું હતું કે નર્વસનેસ પણ એક એનર્જી છે. એને બનાવી પણ નથી શકાતી અથવા તો એનો નાશ પણ નથી કરી શકાતો. એને ફક્ત ટ્રાન્સફૉર્મ કરી શકાય છે. હું પણ મારી નવર્સનેસને હવે એનર્જીમાં પરિવર્તિત કરું છું. આ રીતે હું ચૅલેન્જિસનો સામનો કરું છું.’

bollywood news ranveer singh