બૉલીવુડ-ક્વીન કો મેહંદી-ક્વીન મેહંદી લગા રહી હૈ ઔર વો ભી ઇટલી મેં:રણવીર

21 December, 2018 01:57 PM IST  |  | Rupali Shah

બૉલીવુડ-ક્વીન કો મેહંદી-ક્વીન મેહંદી લગા રહી હૈ ઔર વો ભી ઇટલી મેં:રણવીર

રણવીર સિંહે પણ પોતાની હથેળી પર મેંદીથી ‘દીપિકા’ લખાવ્યું હતું.

રૂપાલી શાહ

તાજેતરમાં ગ્રૅન્ડ સેલિબ્રેશન સાથે ઈશા અંબાણી, દીપિકા પાદુકોણ-રણવીર સિંહ અને કપિલ શર્મા લગ્નની રેશમગાંઠે બંધાયાં. આ લગ્નપ્રસંગોમાં અનેક ખ્યાતનામ ચહેરાઓની હાજરી નોંધાઈ હતી. જોકે આ ત્રણેય હાઈ-પ્રોફાઇલ લગ્નના મેંદી-સેલિબ્રેશનમાં એક નામ અને ચહેરો કૉમન હતાં. એ હતાં મેંદી-ક્વીન વીણા નાગડાનાં.

કપિલ શર્માની પત્ની ગિની સાથે વીણા નાગડા.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જેવી બૉલીવુડની ફેમસ પર્સનાલિટી હોય, કૉમેડીકિંગ કપિલ શર્માની પત્ની ગિની હોય કે ભારતના રિચેસ્ટ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ફૅમિલી - આ તમામના શુભ પ્રસંગોમાં મેંદી દ્વારા ખુશીના રંગ પૂરવાનું સૌભાગ્ય કચ્છી વીણા નાગડાને મYયું છે. વીણાબહેન કહે છે, ‘મુકેશભાઈની ભાવિ પુત્રવધૂ શ્લોકાના ઘરે મેંદી મૂકવા જતાં પહેલાં એના શગુન માટે હું મેંદીના કોન લઈને ઍન્ટિલિયા ગઈ હતી. એ દિવસ, એ પળ અદ્ભુત હતાં! તેના એન્ગેજમેન્ટની મેંદી વખતે જ ઈશાબહેનનાં લગ્નની મેંદી-રસમનું પણ બુકિંગ થઈ ગયું હતું. તેમનું મેંદી-ફંક્શન ૯ ડિસેમ્બરે ઉદયપુરમાં હતું જ્યાં મારી આખી ટીમ ગઈ હતી અને ૧૦ તારીખે નીતાબહેને મેંદી મુકાવી. નીતાબહેને ઑન ધ સ્પૉટ પોતાની ડિઝાઇન ક્રીએટ કરાવી. અમે પહેલાં બધું કાગળ પર તૈયાર કર્યું. એ મેંદીની ડિઝાઇનને અમે નીતાબહેનની ડિઝાઇન નામ જ આપી દીધું છે. આગળના એક હાથમાં ટ્રેડિશનલ કટવર્કના લોટસની ઝીણી ડિઝાઇન સાથે તેમણે જમાઈ આનંદ, બીજા હાથમાં દીકરી ઈશા તેમ જ પાછળના એક હાથમાં મુકેશભાઈનું અને બીજા હાથમાં પુત્ર-પુત્રવધૂ આકાશ-શ્લોકા અને અનંત-રાધિકાનાં નામ ચીતરાવ્યાં હતાં. ૧૧મીએ ઈશાબહેન, તેમની ફ્રેન્ડ્સ અને બાકીના ફૅમિલી-મેમ્બર્સની મેંદી મુકાઈ. ટીનાબહેન, કોકિલાબહેન સહિત ઘરના તમામ નાના-મોટા સભ્યો હાજર હતા.’

દીપિદા પાદુકોણના હાથ પરની મેંદી જોઈ શકાય છે

જૂનાં સંસ્મરણો મમળાવતાં વીણાબહેન કહે છે, ‘કોકિલાબહેનના ઘરેથી તેમની દીકરીનાં લગ્ન વખતે પચીસ રૂપિયામાં મેંદીના બે હાથની શરૂઆત મેં કરી હતી. આજે તેમની વહુ નીતાબહેને તેમની પણ વહુ-દીકરીના પ્રસંગોમાં મને યાદ કરીને બોલાવી એ મારું અહોભાગ્ય છે.’

રણવીર સિંહ અને દીપિકાના મેંદી-ફંક્શન વિશે વીણાબહેન કહે છે, ‘ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ના શૂટિંગ દરમ્યાન દીપિકાને મેં મેંદી મૂકી હતી. એ વખતે જ દીપિકાએ મારાં લગ્ન વખતે હું તમને બોલાવીશ એવો વાયદો કરી દીધો હતો અને ખરેખર એ પાળ્યો પણ ખરો. તેમની મેંદી મૂકવા હું છેક ઇટલી ગઈ. આ મારી લાઇફનું યાદગાર અચીવમેન્ટ છે. ઇટલીના લેક કોમોમાં રણવીરજીનાં મમ્મી, બહેન તેમ જ દીપિકાજીનાં મમ્મી અને બહેનની મેંદી મુકાઈ; જ્યારે દીપિકાજીએ અમારી સાથે બેસીને મેંદીની ડિઝાઇનો જોઈ અને સિલેક્ટ કરી દીધી. બીજા દિવસે સખત ઠંડી વચ્ચે તેમની ઇચ્છા મુજબ ખુલ્લી જગ્યામાં તેમને મેંદી મુકાઈ. તેમણે પણ લોટસની કટવર્કવાળી ડિઝાઇન મુકાવી. આગળના બન્ને હાથમાં મેંદી મૂક્યા બાદ ડાન્સ કરતી વખતે તેમણે મેંદી ખૂબ જતનથી સંભાળી હતી અને લવિંગનો શેક પણ કર્યો. મેંદીની રસમ વખતે ખૂબ જ મસ્તી-ધમાલનો માહોલ હતો. થોડી વારમાં રણવીરજી દીપિકાજીને મળવા આવ્યા અને અચાનક માઇકમાં બોલ્યા કે બૉલીવુડ-ક્વીન કો મેહંદી-ક્વીન મેહંદી લગા રહી હૈ, ઔર વો ભી ઇટલી મેં; ક્યા બાત હૈ? આ શબ્દોને, આ પ્રશંસાને હું ક્યારેય ભૂલી નહીં શકું. રણવીરે હાથમાં દીપ સાથે હિન્દીમાં દીપિકાનું નામ ચીતરાવ્યું હતું. દીપની ઉપર મમ્મી-પપ્પા અને બહેનના સિમ્બૉલિક ત્રણ સ્ટાર કરાવ્યા. ભરપૂર ટાઇટ સિક્યૉરિટી છતાં તમે સેલિબ્રેટીઝ વચ્ચે છો એવું જરાય લાગતું નહોતું. તમે પરિવારના સભ્ય હો એટલી જ આત્મીયતાથી બધા એન્જૉય કરતા હતા. દીકરી-વિદાયનાં ગીતો પર દીપિકાજી અને તેમના પપ્પાની આંખમાં પાણી આવી ગયાં હતાં.’

નીતા-ઈશા અંબાણીએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલી તસવીરો

આ ટ્રિપ દરમ્યાન વીણાબહેન અને તેમની ટીમ એક આખો દિવસ મિલાનમાં ફર્યા. આ બધી વ્યવસ્થા એ લોકો તરફથી જ હતી.

વીણાબહેન કહે છે, ‘હું કપિલની બહુ મોટી ફૅન છું. મને તેમની પત્નીને મેંદી લગાવવાની તક મળી એ મારી ખુશનસીબી છે. કપિલનાં પત્ની ગિનીના એક હાથમાં વરમાળા પહેરાવતી દુલ્હન અને બીજા હાથમાં વરમાળા સાથેનો દુલ્હો, કળશ સાથે લોટસની ડિઝાઇન મૂકી હતી. જાલંધરમાં થયેલી આ મેંદી-સેરિમની પણ અદ્ભુત રહી.’

આ સિવાય પણ વીણાબહેન અનેક સ્ટાર-ફૅમિલીમાં મેંદી મૂકી ચૂક્યાં છે. સોનમ કપૂર છ વર્ષની હતી ત્યારથી તેના હાથમાં તેઓ મેંદી મૂકતાં આવ્યાં છે અને થોડા વખત પહેલાં જ તેમણે સોનમનાં લગ્નની મેંદી મૂકી હતી.

ranveer singh deepika padukone Isha Ambani nita ambani kapil sharma entertaintment bollywood news bollywood