26 May, 2026 09:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ડૉન 3’ની તૈયારીરૂપે 45 કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા હતા એવો દાવો એના મેકર્સનો છે
રણવીર સિંહ એક મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝ (FWICE)એ તેની સામે કડક વલણ અપનાવતાં તેની સાથે ‘નૉન-કોઑપરેશન’ જાહેર કર્યું છે. ફેડરેશનનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી રણવીર પોતે આગળ આવીને આ મુદ્દે ચર્ચા નહીં કરે ત્યાં સુધી ફેડરેશન સાથે જોડાયેલો કોઈ પણ ટેક્નિશિયન અથવા સભ્ય તેની સાથે કામ નહીં કરે. જોકે આ દરમ્યાન રણવીરના મૅનેજર તરફથી ફેડરેશનને એક ઈ-મેઇલ મોકલવામાં આવી હતી, પરંતુ FWICEએ એને સંપૂર્ણપણે નકારી કાઢી છે.
‘ડૉન 3’ વિવાદમાં ફરહાન અખ્તરે ભારે આર્થિક નુકસાનનો મુદ્દો ઉઠાવીને ફેડરેશનનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ FWICE તરત જ ઍક્શનમાં આવ્યું હતું. ફેડરેશન તરફથી રણવીર સિંહને પોતાનો પક્ષ રજૂ કરવા માટે એક પછી એક ત્રણ રિમાઇન્ડર નોટિસ મોકલવામાં આવી હતી પણ ઍક્ટર તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો. જ્યારે ફેડરેશને કડક પગલાં લેવા તૈયારી શરૂ કરી ત્યારે રણવીરના મૅનેજર તરફથી ઈ-મેઇલ મોકલાઈ હતી, પરંતુ ફેડરેશન આ ઈ-મેઇલથી સંતુષ્ટ નથી.
આ મામલે ફેડરેશને પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે ‘અમે ઇચ્છીએ છીએ કે રણવીર પોતે આગળ આવે અને અમારી સાથે સીધી રીતે ટેબલ પર બેસીને વાત કરે. અમે આ સમગ્ર મામલે તેમનો પક્ષ પણ સાંભળવા માગીએ છીએ, પરંતુ વાત માત્ર અભિનેતા સાથે જ થશે. કોઈ પ્રતિનિધિ અથવા મૅનેજર સાથે વાત નહીં થાય.’
રિપોર્ટ મુજબ રણવીર સિંહે એક્સેલ એન્ટરટેઇનમેન્ટ સાથે ત્રણ ફિલ્મોની મોટી ડીલ કરી હતી. બધું નક્કી થઈ ગયા બાદ પહેલી ફિલ્મ ‘ડૉન 3’નું શેડ્યુલ શરૂ થવા માટે માત્ર ૩ અઠવાડિયાં બાકી હતાં ત્યારે રણવીરે અચાનક પ્રોજેક્ટમાંથી પોતાનો હાથ ખેંચી લીધો હતો. આ છેલ્લી ઘડીના નિર્ણયથી સમગ્ર ટીમ ચોંકી ગઈ હતી. મેકર્સ ફિલ્મની તૈયારી અને પ્રી-પ્રોડક્શન પર અંદાજે ૪૫ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરી ચૂક્યા હતા. આ મામલે ઇન્ડસ્ટ્રીના અનેક સિનિયર લોકોએ રણવીર સાથે સંપર્ક કરીને મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રણવીર તરફથી પ્રોજેક્ટ છોડવાનું કોઈ મજબૂત કારણ સામે આવ્યું નહોતું.
રણવીર સિંહના આ વર્તન પર ફેડરેશનના અધિકારીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ‘રણવીર અમારા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ અને પ્રતિભાશાળી અભિનેતા છે. દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચવાની તેમની અંદર મોટી ક્ષમતા છે. અમે હંમેશાં તેમની સફળતાનું સન્માન કર્યું છે પરંતુ સ્ટારડમ સાથે જવાબદારી પણ આવે છે. અમને આ સમગ્ર વિવાદનો યોગ્ય અને ન્યાયસંગત નિષ્કર્ષ જોઈએ છે, જેથી કોઈ પણ નિર્માતાના પૈસા આ રીતે ડૂબી ન જાય.’