15 December, 2025 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણદીપે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં અહીંની તસવીરો શૅર કરી
રણદીપ હૂડાએ ‘સ્વાતંય વીર સાવરકર’માં વીર સાવરકરની ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં તેણે વીર સાવરકરની દેશભક્તિની પ્રખ્યાત મરાઠી કવિતા ‘સાગરા પ્રાણ તળમળલા’નાં ૧૧૫ વર્ષ પૂર્ણ થવાના અવસર પર પોર્ટ બ્લેરની સેલ્યુલર જેલની મુલાકાત લીધી હતી. ‘સાગરા પ્રાણ તળમળલા’ કવિતા એક દેશનિકાલ થયેલા ક્રાંતિકારીની વેદના, ઘરની યાદ અને માતૃભૂમિ માટેની તડપને વ્યક્ત કરે છે. પોર્ટ બ્લેરની સેલ્યુલર જેલમાં વીર સાવરકરને કેદ કરવામાં આવ્યા હતા અને તેમણે અહીં ઘણાં વર્ષો સુધી કઠોર યાતનાઓ સહન કરી હતી. રણદીપે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં અહીંની તસવીરો શૅર કરીને જણાવ્યું હતું કે અહીં જ તેણે પોતાની ફિલ્મના મોટા ભાગના સીન શૂટ કર્યા હતા.
અહીં રણદીપ હૂડા વીર સાવરકરની પ્રતિમાના અનાવરણનો પણ સાક્ષી બન્યો. આ અવસરે તેને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ચીફ મોહન ભાગવત અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સન્માનિત કર્યો હતો. રણદીપે કહ્યું કે આ ઐતિહાસિક ક્ષણમાં જ્યાં વીર સાવરકરે અપાર ત્યાગ સહન કર્યા હતા ત્યાં હાજર રહેવું અને એ જ જગ્યાએ સન્માન મેળવવું ખૂબ જ વ્યક્તિગત અને ભાવુક અનુભવ છે.