08 November, 2026 10:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર
રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ હાલમાં થિયેટરોમાં સારો દેખાવ કરી રહી છે અને એમાં રણબીરની ભગવાન રામ તરીકેની ઍક્ટિંગ પણ લોકોને પસંદ પડી રહી છે. રણબીરની ગણતરી બૉલીવુડના ટૅલન્ટેડ ઍક્ટર તરીકે થાય છે ત્યારે હાલમાં તેના એક નિવેદનને કારણે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે રણબીર હવે અભિનય છોડવાનું વિચારી રહ્યો છે.
હાલમાં એક વાતચીત દરમ્યાન રણબીરે પોતાની કારકિર્દી અને ભવિષ્યની યોજનાઓ વિશે મોટો ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યુમાં રણબીરે સંકેત આપ્યો છે કે એક અભિનેતા તરીકે આ તેનો છેલ્લો દાયકો હોઈ શકે છે અને તે ટૂંક સમયમાં ડિરેક્શનના ક્ષેત્રમાં પણ પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યો છે. રણબીરે પોતાના ભવિષ્યના આયોજન વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘થોડા મહિના પહેલાં જ મેં મારી એક સ્ક્રિપ્ટ લખવાની શરૂઆત કરી છે. આગામી બે-ત્રણ વર્ષમાં ડિરેક્ટર તરીકે મારી શરૂઆત કરવા ઇચ્છું છું. જોકે હું મારી ડિરેક્ટ કરેલી ફિલ્મોમાં કામ નહીં કરું અને સંપૂર્ણપણે કૅમેરાની પાછળ રહીને ડિરેક્શનની જવાબદારી સંભાળવા ઇચ્છું છું. હું વર્ષમાં માત્ર ૧૦૦થી ૧૨૫ દિવસ જ કામ કરું છું એટલે મારી પાસે વાર્તા લખવા માટે પૂરતો સમય હોય છે. મને લાગે છે કે એક અભિનેતા તરીકે આ મારો છેલ્લો દાયકો છે. હવે હું ડિરેક્શન તરફ વળવા માગું છું. સંગીત પછી જો કોઈ સર્જનાત્મક ક્ષેત્રમાં સૌથી વધુ આનંદ અને સંતોષ અનુભવાતો હોય તો એ ડિરેક્શન છે.’