18 March, 2026 04:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર, આલિયા ભટ્ટ; વિકી કૌશલ અને સંજય લીલા ભણસાલી
ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની આવનારી પિરિયડ લવ સ્ટોરી ‘લવ ઍન્ડ વૉર’ પાસેથી દર્શકોને ભારે અપેક્ષાઓ છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મના મેકર્સ શૂટિંગ દરમ્યાન કોઈ પણ પ્રકારની માહિતી લીક ન થાય એ માટે કડક પગલાં લઈ રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે ‘લવ ઍન્ડ વૉર’ની વિગતો સીક્રેટ રાખવા માટે પ્રોજેક્ટ સાથે જોડાયેલા સભ્યોને કડક નૉન-ડિસ્ક્લોઝર ઍગ્રીમેન્ટ (NDA) સાઇન કરવા માટે કહેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૫૦૦થી વધુ NDA સાઇન થઈ ચૂક્યા છે અથવા પ્રક્રિયામાં છે જેથી ફિલ્મના સેટ પરથી કોઈ પણ માહિતી, તસવીરો અથવા સામગ્રી બહાર ન જાય. આ ફિલ્મ વિશે વધુ માહિતી હજી ગુપ્ત રાખવામાં આવી છે. ગયા વર્ષે સેટ પરથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લીક થયેલા ફોટોઝ વાઇરલ થયા હતા, જેના આધારે ફિલ્મની કહાની ૧૯૬૦ના દાયકાના સમય પર આધારિત હોવાનું માનવામાં આવે છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે ફિલ્મને આ વર્ષે જ રિલીઝ કરવાની યોજના છે પણ ચોક્કસ તારીખ હજી નક્કી કરવામાં આવી નથી. ફિલ્મનું શૂટિંગ નિયમિત રીતે ચાલી રહ્યું છે અને મોટા ભાગના મહત્ત્વપૂર્ણ સીન પૂર્ણ થઈ ચૂક્યા છે.