01 April, 2026 04:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂરે અમેરિકામાં વિદેશી દર્શકોને સમજાવ્યો મર્યાદા પુરુષોત્તમનો અર્થ
રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવીને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર હનુમાન જયંતીએ રિલીઝ થવાનું છે. હાલમાં આ ફિલ્મનું ટીઝર લૉસ ઍન્જલસમાં એક ખાસ આઇમૅક્સ સ્ક્રીનિંગ દરમ્યાન રજૂ કરવામાં આવ્યું હતું. આ ખાસ સ્ક્રીનિંગમાં હાજર રહેલા લોકોએ ટીઝરનાં બહુ વખાણ કર્યાં છે. મળતી માહિતી પ્રમાણે હનુમાન જયંતીના ટીઝર-લૉન્ચ પહેલાં રણબીર કપૂર, ડિરેક્ટર નીતેશ તિવારી અને નિર્માતા નમિત મલ્હોત્રા લૉસ ઍન્જલસ ગયા હતા જ્યાં આંતરરાષ્ટ્રીય દર્શકો માટે ફિલ્મના વિઝ્યુઅલ્સ રજૂ કરવામાં આવ્યાં હતાં.
આ ઇવેન્ટ દરમ્યાન ફિલ્મ સાથે સંકળાયેલી ત્રણેય વ્યક્તિઓએ દર્શકો સાથે વાતચીત કરી અને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા. ઇવેન્ટ દરમ્યાન રણબીરે પોતાના પાત્ર ભગવાન રામ વિશે પોતાના વિચારો રજૂ કર્યા. તેણે જણાવ્યું કે ભગવાન રામ માત્ર પૌરાણિક પાત્ર નથી, પરંતુ સમગ્ર વિશ્વ માટે માર્ગદર્શક છે. રણબીરે વિદેશી દર્શકોને મર્યાદા પુરુષોત્તમ શબ્દનો અર્થ સમજાવીને કહ્યું કે એનો મતલબ આદર્શ પુરુષ થાય છે.
રણબીરે ભગવાન રામ વિશે કહ્યું હતું કે ‘ભગવાન રામ સદીઓથી કરોડો લોકો માટે પ્રેરણાસ્રોત રહ્યા છે. તેઓ આપણને મુશ્કેલ પરિસ્થિતિઓમાં માનવીય મૂલ્યો સમજાવે છે. તેઓ કરુણા, સાહસ, ધર્મ અને ક્ષમાના પ્રતીક છે.’
હનુમાન જયંતીએ રિલીઝ થનારા રામાયણના બે મિનિટ ૩૮ સેકન્ડના ટીઝરને યુ સર્ટિફિકેટ
રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી સ્ટારર ફિલ્મ ‘રામાયણ’ આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંથી એક માનવામાં આવી રહી છે. નીતેશ તિવારીની આ ફિલ્મ પાસેથી લોકોને બહુ અપેક્ષા છે. આ ફિલ્મનું ટીઝર હનુમાન જયંતી પર રજૂ થશે જેના કારણે ફૅન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મના ટીઝરને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી યુ સર્ટિફિકેટ પણ મળી ગયું છે એટલે કે કોઈ પણ ઉંમરના લોકો એને જોઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે આ ટીઝર લગભગ બે મિનિટ ૩૮ સેકન્ડનું હશે. આ ટીઝર-લૉન્ચ માટે હનુમાન જયંતીએ ખાસ ઇવેન્ટ પણ યોજાશે, જેમાં તમામ સ્ટાર્સ પોતાનાં પાત્રોના ગેટઅપમાં જોવા મળી શકે છે.
‘રામાયણ’માં રણબીર કપૂર ભગવાન રામના જ્યારે સાઉથ સુપરસ્ટાર યશ રાવણના શક્તિશાળી રોલમાં જોવા મળશે. ફિલ્મમાં સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં હશે અને સની દેઓલ ભગવાન હનુમાન તરીકે દેખાશે. આ સાથે જ રવિ દુબે લક્ષ્મણની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મને ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક માનવામાં આવી રહી છે.