02 August, 2026 09:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાઈ પલ્લવી, રણબીર કપૂર અને યશ
નિતેશ તિવારીની મેગા બજેટ ફિલ્મ ‘રામાયણ’નું ટ્રેલર રિલીઝ થયા બાદ હવે સ્ટારકાસ્ટની ફી ચર્ચાનો મુદ્દો બની છે. લગભગ ૪૦૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બની રહેલી આ ફિલ્મ માટે કલાકારોએ કેટલી ફી લીધી હશે એ જાણવાની ઉત્સુકતા ચાહકોમાં જોવા મળી રહી છે.
અહેવાલો મુજબ ભગવાન રામની ભૂમિકામાં જોવા મળનારા રણબીર કપૂરને બે ભાગ માટે કુલ ૧૫૦ કરોડ રૂપિયા એટલે કે પ્રતિ ભાગ ૭૫ કરોડ રૂપિયા ફી આપવામાં આવી છે. આ પછી લંકાપતિ રાવણનું પાત્ર ભજવનારા યશને કુલ ૧૦૦ કરોડ રૂપિયા ફી મળી છે પણ કેટલાક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેને ફિલ્મના નફામાં પણ હિસ્સો મળી શકે છે. હનુમાનજીની ભૂમિકામાં જોવા મળનારા સની દેઓલને બે ભાગ માટે અંદાજે ૪૦ કરોડ રૂપિયા ફી મળ્યાનું કહેવાય છે, જ્યારે માતા સીતાના પાત્રમાં જોવા મળનારી સાઈ પલ્લવીને કુલ ૧૨ કરોડ રૂપિયા મહેનતાણું મળ્યાની ચર્ચા છે. મળતી માહિતી પ્રમાણે લક્ષ્મણના પાત્રમાં જોવા મળનારા રવિ દુબેને અંદાજે બે કરોડ રૂપિયાથી ૪ કરોડ રૂપિયા વચ્ચે ફી આપવામાં આવી છે. જોકે ફિલ્મના નિર્માતાઓ અથવા કલાકારોએ અત્યાર સુધી કોઈ ફીના આંકડા વિશે સત્તાવાર જાહેરાત કરી નથી.
નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’નું ટ્રેલર રિલીઝ થતાં જ ઇન્ટરનેટ પર છવાઈ ગયું છે. રિલીઝ પછી ટ્રેલર સતત સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. જોકે આ શાનદાર શરૂઆત છતાં ફિલ્મ એક મોટો રેકૉર્ડ પોતાના નામે કરી શકી નથી. ‘રામાયણ’ના ટ્રેલરને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હોવા છતાં એ વ્યુઝના મામલે ફિલ્મ ‘આદિપુરુષ’નો રેકૉર્ડ તોડી શકી નથી.
ઑનલાઇન ટ્રૅકિંગ ડેટા મુજબ લૉન્ચના પહેલા ૨૪ કલાકમાં યુટ્યુબ પર સૌથી વધુ જોવાયેલા ભારતીય ફિલ્મ-ટ્રેલરનો રેકૉર્ડ ‘રામાયણ’ પોતાના નામે કરી શકી નથી. આ ટ્રેલરને સોનીની ઑફિશિયલ યુટ્યુબ ચૅનલ અને વર્લ્ડ ઑફ રામાયણ (WOR) ચૅનલ પર એકસાથે અનેક ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. આમ છતાં ફિલ્મ પ્રભાસની ‘આદિપુરુષ’ના ટ્રેલરના વ્યુઝને પાછળ છોડી શકી નથી.
હાલમાં ઉપલબ્ધ આંકડા મુજબ ‘રામાયણ’ના હિન્દી ટ્રેલરને પહેલા ૨૪ કલાકમાં અંદાજે ૩.૬૪ કરોડ વ્યુઝ મળ્યા હતા, જ્યારે તમામ ભાષાઓનાં ટ્રેલરના કુલ વ્યુ લગભગ ૪.૫ કરોડ હતા. જોકે ફિલ્મના નિર્માતાઓએ હજુ સુધી પહેલા ૨૪ કલાકના સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી. બીજી તરફ પ્રભાસની ‘આદિપુરુષ’ના ટ્રેલરને રિલીઝના પહેલા ૨૪ કલાકમાં અંદાજે ૭.૪૨ કરોડ વ્યુઝ મળ્યા હતા.