ઍનિમલ પછી હું રણબીર કપૂરને કોઈ સંજોગોમાં રામ તરીકે જોઈ શકતો નથી

09 September, 2026 10:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીવી-સિરિયલ રામાયણના સર્જક રામાનંદ સાગરનો પૌત્ર શિવ સાગર કહે છે કે આ રોલ માટે નવા ચહેરાને લેવાની જરૂર હતી

શિવ સાગર ચોપરા

‘રામાયણ’માં રણબીર કપૂરને ભગવાન રામની ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યો ત્યારથી જ આ નિર્ણય વિશે મિક્સ રિવ્યુ મળી રહ્યા છે. ફિલ્મનું ટીઝર અને ફર્સ્ટ લુક સામે આવ્યા બાદ અનેક દર્શકોને લાગ્યું હતું કે રણબીર આ ભૂમિકા માટે યોગ્ય પસંદગી છે, જ્યારે કેટલાક લોકો હજુ પણ તેના કાસ્ટિંગને લઈને શંકામાં છે.
હવે ૧૯૮૭માં દૂરદર્શન પર ‘રામાયણ’ બનાવીને જાણીતા બનેલા ડિરેક્ટર રામાનંદ સાગરના પૌત્ર શિવ સાગરે ફિલ્મના કાસ્ટિંગ અને રણબીરની ભગવાન રામના રોલ માટે પસંદગી કરવાના નિર્ણય વિશે પોતાનો મત વ્યક્ત કર્યો છે.  
આ મામલે વાત કરતાં શિવ સાગરે કહ્યું હતું કે ‘ભગવાન રામ તરીકે રણબીરના એક કાસ્ટિંગ સિવાય બીજા કલાકારોની પસંદગી મને બહુ યોગ્ય લાગે છે. વ્યક્તિગત રીતે હું રણબીર કપૂરને રામ તરીકે સ્વીકારી શકતો નથી, કારણ કે ‘ઍનિમલ’ પછી હું તેને શ્રી રામ તરીકે જોઈ શકતો નથી. જ્યારે હું રામજી વિશે વિચારું છું ત્યારે મને લાગે છે કે કોઈ નવા ચહેરાને પસંદ કરવો જોઈતો હતો. આપણે રણબીરને અલગ-અલગ પાત્રોમાં જોયો છે. તે એક ખૂબ સારો ઍક્ટર છે. વ્યક્તિગત રીતે મને તેની સાથે કોઈ સમસ્યા નથી. મને લાગે છે કે તેને આ પ્રોજેક્ટ માટે કદાચ માર્કેટિંગના કારણોસર પસંદ કરવામાં આવ્યો હશે. કદાચ જો રણબીરને લેવામાં ન આવ્યો હોત તો ફિલ્મનું માર્કેટિંગ આટલી સારી રીતે ન થઈ શક્યું હોત. આ પણ વિચારવા જેવી બાબત છે, પણ મારું વ્યક્તિગત માનવું છે કે આવાં પાત્રો માટે કોઈ નવા ચહેરાને પસંદ કરવાનો નિર્ણય વધારે યોગ્ય હોત. જોકે આખરે જનતા જ રાજા છે. જો દર્શકો રણબીરને ભગવાન રામ તરીકે સ્વીકારી લે છે તો મારા મતનું કોઈ મહત્ત્વ રહેતું નથી.’

ramayan ranbir kapoor entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood