✕

વિવેક ઑબેરૉયે તેની કારકિર્દીના સૌથી ખરાબ સમયને યાદ કર્યો

25 November, 2026 07:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મને કામ ન મળવાનો મુદ્દો મારી પ્રતિભા સાથે સંબંધિત નહોતો

વિવેક ઑબેરૉય

વિવેક ઑબેરૉય હાલમાં ‘રામાયણ’ના તેના શૂર્પણખાના પતિ વિદ્યુતજિહ્વના પાત્રને કારણે ચર્ચામાં છે. વિવેકને કારકિર્દીની શરૂઆતમાં જ સફળતા અને લોકપ્રિયતા મળી ગઈ હતી, પણ એક વિવાદે તેની કારકિર્દીની દિશા બદલી નાખી હતી. હવે વિવેકે કોઈનું નામ લીધા વિના એ વિવાદ વિશે વાત કરી છે. તેણે જણાવ્યું હતું કે એ ઘટના બાદ તેને ઘણી હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો અને તેની સાથે કામ કરનારા ફિલ્મમેકર્સને અંડરવર્લ્ડમાંથી ધમકીભર્યા ફોન આવતા હતા. પોતાના ખરાબ સમય વિશે વાત કરતાં વિવેકે કહ્યું હતું કે ‘મારી જિંદગીનો એ સૌથી ખરાબ સમય હતો. હું એક યોગ્ય બાબત માટે ઊભો રહ્યો હતો. મારું માનવું હતું કે કેટલીક બાબતોની મર્યાદા ઓળંગવી ન જોઈએ. મહિલાઓ સાથે ખાસ રીતે વર્તવું જોઈએ અને તેમનું સન્માન કરવું જોઈએ. હું ખોટી બાબત સામે ઊભો રહ્યો હતો, પણ ત્યાર બાદ મને ખૂબ હેરાન કરવામાં આવ્યો. એક શક્તિશાળી લૉબીએ બધું જ પોતાના નિયંત્રણમાં લઈ લીધું હતું. હું જે ફિલ્મોમાં કામ કરવાનો હતો એમાંથી લોકોએ પીછેહઠ કરી લીધી હતી. જે લોકો પહેલાં મારી સાથે જોડાયેલા હતા તેઓ પછી મારાથી દૂર થઈ ગયા હતા. તેઓ મને ફોન કરીને કહેતા હતા કે તેમને અંડરવર્લ્ડમાંથી ફોન આવ્યો છે. તેમને ધમકી આપવામાં આવતી હતી કે જો તમે વિવેક સાથે કામ કરશો તો બરબાદ થઈ જશો. મેં ખરેખર નર્ક જેવી પીડા સહન કરી છે. ખૂબ જ ખરાબ સમયનો સામનો કર્યો છે. મને કામ ન મળવાનો મુદ્દો મારી પ્રતિભા સાથે સંબંધિત નહોતો. આ એવી બાબત હતી જેના પર મારું કોઈ નિયંત્રણ નહોતું.’

vivek oberoi ramayan bollywood controversies bollywood bollywood gossips bollywood news bollywood buzz entertainment news