22 July, 2026 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામ ગોપાલ વર્મા
‘સત્યા’ અને ‘સરકાર’ જેવી હિટ ફિલ્મોના ડિરેક્ટર રામ ગોપાલ વર્માએ દેશમાં સેન્સર બોર્ડને સંપૂર્ણપણે બંધ કરવાની ડિમાન્ડ કરી છે. તેમના મતે ફિલ્મો પર સેન્સરશિપ લાદવી એ દર્શકોનું અપમાન છે. તેમણે સેન્સર બોર્ડની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવીને લાંબી પોસ્ટ શૅર કરીને આક્રોશ વ્યક્ત કર્યો છે.
રામ ગોપાલ વર્માએ પોસ્ટમાં લખ્યું હતું કે ‘સેન્સરશિપ પર જ પ્રતિબંધ મૂકવો જોઈએ. ફિલ્મોને સેન્સર કરવી એટલે દર્શકોનું અપમાન કરવું. સ્માર્ટફોન, વૈશ્વિક સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ અને અમર્યાદિત માહિતીના યુગમાં એવું માનવું કે સરકાર દ્વારા રચાયેલી કોઈ કમિટી ફિલ્મમેકરના દૃષ્ટિકોણથી રજૂ કરાયેલા સત્યથી દર્શકોને બચાવી શકે એ માત્ર જૂની વિચારસરણી જ નહીં પણ મૂર્ખામી પણ છે. સૌથી મોટો વિરોધાભાસ એ છે કે જો કોઈ પુખ્ત વ્યક્તિ દેશનો નેતા પસંદ કરવા, પરિવાર ચલાવવા અને વ્યવસાય સંભાળવા જેટલી સમજ ધરાવે છે તો તે પોતે શું જોવું એ નક્કી કેમ ન કરી શકે? એક તરફ સરકાર પુખ્ત વયના લોકોને મતદાન કરવા લાયક માને છે, જેના આધારે એક અબજથી વધુ લોકોનું ભવિષ્ય નક્કી થાય છે. બીજી તરફ એને લાગે છે કે ફિલ્મનું કોઈ દૃશ્ય તેને ખરાબ અસર પહોંચાડી શકે છે. આ સમાજનું રક્ષણ નથી, પણ એને બાળક સમાન ગણવાની માનસિકતા છે. ૧૮ વર્ષનો યુવાન દેશનો નેતા પસંદ કરી શકે છે, પણ કોઈ ગાળો સાંભળવી કે કોઈ દૃશ્ય જોવું તેના માટે યોગ્ય છે કે નહીં એ નક્કી કરવા માટે તેને અજાણી કમિટીના સભ્યોની જરૂર પડે છે. ફિલ્મ એ ફિલ્મમેકરના દૃષ્ટિકોણથી રજૂ કરાયેલી નાટકીય વાર્તા છે અને દર્શકોને તેની સાથે સહમત થવાનો કે અસહમત થવાનો સંપૂર્ણ અધિકાર હોવો જોઈએ.’
સેન્સર બોર્ડ પર નિશાન સાધતાં રામ ગોપાલ વર્માએ કહ્યું હતું કે ‘થિયેટરમાં રિલીઝ માટે દૃશ્યો કાપવાનો કોઈ અર્થ નથી, કારણ કે અનકટ વર્ઝન થોડા જ કલાકોમાં ટૉરન્ટ, ટેલિગ્રામ અને આંતરરાષ્ટ્રીય પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ થઈ જાય છે. સેન્સરશિપ કન્ટેન્ટને છુપાવતી નથી, ઊલટાનું એની ડિમાન્ડ વધુ વધારી દે છે. AI ટૂલ્સ અને સરહદ વિનાના ઇન્ટરનેટના સમયમાં આવી રોકટોક હવે મજાક સમાન છે.’