15 December, 2025 06:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાકેશ બેદીએ સેટ પર અક્ષય ખન્નાના વર્તન વિશે વાત કરી
‘ધુરંધર’ હાલમાં બૉક્સ-ઑફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ માત્ર ૧૦ દિવસમાં જ ૩૦૦ કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. તાજેતરમાં ફિલ્મમાં મહત્ત્વનો રોલ કરનારા રાકેશ બેદીએ પોતાના કો-ઍક્ટર અક્ષય ખન્નાના સ્વભાવ વિશે અનેક વાતો શૅર કરીને જણાવ્યું કે સેટ પર તેનું વર્તન કેવું હતું.
રાકેશ બેદીએ પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘અક્ષય ખન્ના ‘ધુરંધર’ના સેટ પર મોટા ભાગે એકલો બેસી રહેતો હતો. જોકે એવું નહોતું કે તે કોઈ સાથે વાતચીત નહોતો કરતો. મારી તેની સાથે અનેક વખત વાતચીત થઈ હતી. અમે રાજકીય વિષયો પર પણ ચર્ચા કરી હતી. તેણે મારી સાથે મારા થિયેટર-પ્લે વિશે પણ વિગતે વાત કરી હતી અને ઘણી વખત સાથે ભોજન પણ લીધું હતું. તે ઘણો સોશ્યલ હતો, પણ આમ છતાં બધા સાથે એક અંતર પણ રાખતો હતો.’
ધુરંધરની કમાણી ૩૦૦ કરોડને પાર
રણવીર સિંહને લીડ રોલમાં ચમકાવતી ‘ધુરંધર’ની શનિવારની કમાણી ૫૩.૭૦ કરોડ રૂપિયા થતાં પાંચમી ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મની ભારતમાં નેટ કમાણી ૩૦૬.૪૦ કરોડ રૂપિયા જેટલી નોંધાઈ છે.