૧ કરોડ રૂપિયાનું બોનસ મળ્યું હોવાના સમાચાર વિશે રાકેશ બેદી કહે છે...

25 April, 2026 01:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાકેશ બેદીએ મજાક કરતાં ઉમેર્યું હતું કે ‘જો કોઈ અપાવી શકતું હોય તો પ્લીઝ અપાવી દોને. જો મારા અકાઉન્ટમાં આવી જશે તો કદાચ હું કહીશ ખરો અથવા ન પણ કહું, પરંતુ હાલમાં તો એ પૈસા મને નથી મળ્યા.’

૧ કરોડ રૂપિયાનું બોનસ મળ્યું હોવાના સમાચાર વિશે રાકેશ બેદી કહે છે...

આદિત્ય ધરની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’માં જમીલ જમાલીના પાત્રથી ધૂમ મચાવનાર પીઢ અભિનેતા રાકેશ બેદી હાલમાં ચર્ચામાં છે. ૭૧ વર્ષની વયે પોતાની કારકિર્દીનો નવો વળાંક જોનારા રાકેશ બેદીને પ્રોડક્શન-હાઉસ તરફથી ૧ કરોડ રૂપિયાનું બોનસ મળ્યું હોવાના સમાચાર વાઇરલ તો થયા છે, પણ હવે ખુદ રાકેશ બેદીએ આ વાત ખોટી હોવાની સ્પષ્ટતા કરી છે.
એક વિડિયોમાં રાકેશ બેદીએ આ અહેવાલને નકારી કાઢ્યા છે. તેમણે અત્યંત રમૂજી શૈલીમાં જવાબ આપતાં કહ્યું હતું કે ‘ઘણા લોકો મને કહી રહ્યા છે કે પ્રોડક્શન-હાઉસ તરફથી મને ૧ કરોડ રૂપિયા મળ્યા છે. તો ભાઈ, એ પૈસા ક્યાં છે? કોના ઘરે રાખ્યા છે કે કોના ખિસ્સામાં છે? મને કોઈ જણાવી તો દો કે કોણે ક્યાં દાટી રાખ્યા છે જેથી હું જઈને લઈ આવું, કારણ કે મારા અકાઉન્ટમાં તો હજી સુધી આવ્યા નથી.’
રાકેશ બેદીએ મજાક કરતાં ઉમેર્યું હતું કે ‘જો કોઈ અપાવી શકતું હોય તો પ્લીઝ અપાવી દોને. જો મારા અકાઉન્ટમાં આવી જશે તો કદાચ હું કહીશ ખરો અથવા ન પણ કહું, પરંતુ હાલમાં તો એ પૈસા મને નથી મળ્યા.’

rakesh bedi bollywood buzz dhurandhar bollywood news bollywood gossips bollywood entertainment news