21 December, 2025 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ધુરંધર’ની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર હમણાં વાઇરલ થયો છે
રાકેશ બેદીએ ‘ધુરંધર’માં જમીલ જમાલીનો રોલ ભજવ્યો છે અને તેના અભિનયની ઘણી પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મમાં સારા અર્જુને તેની દીકરીનો રોલ ભજવ્યો છે. રાકેશ બેદી હાલમાં સારા સાથેના તેમના થોડા દિવસ પહેલાંના વર્તનને કારણે ચર્ચામાં છે. બન્યુ છે એવું કે ‘ધુરંધર’ની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર હમણાં વાઇરલ થયો છે જેમાં ૭૧ વર્ષના રાકેશ બેદી તેમનાથી ૫૧ વર્ષ નાની એવી ૨૦ વર્ષની સારા અર્જુનને ખભા પર કિસ કરતા દેખાય છે. આ વિડિયોને લઈને રાકેશ બેદીની ટીકા કરવામાં આવી રહી છે ત્યારે હવે આ મામલે તેમણે સ્પષ્ટતા કરી છે.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં રાકેશ બેદીએ આ મુદ્દે વાત કરતાં કહ્યું હતું કે ‘સારા મારી અડધી ઉંમરથી પણ નાની છે અને ફિલ્મમાં તેણે મારી દીકરીનો રોલ કર્યો છે. શૂટિંગ દરમ્યાન જ્યારે પણ અમે મળતાં ત્યારે તે મને દીકરી પિતાને જેમ ગળે લગાવે એમ ગળે લગાવતી હતી. અમારો સંબંધ ખૂબ સારો છે, જે સ્ક્રીન પર પણ દેખાય છે. એ દિવસે પણ એવું જ હતું, પરંતુ લોકો એમાં સ્નેહ નથી જોઈ રહ્યા. મેં જે કિસ કરી હતી એમાં એક વડીલનો સ્નેહ હતો. જો એમાં કોઈને ખોટ દેખાતી હોય તો એ જોનારની નજરની ખામી છે. હું સ્ટેજ પર, તેનાં માતા-પિતાની હાજરીમાં કોઈ ખરાબ ઇરાદાથી તેને કિસ કેમ કરું? લોકો સોશ્યલ મીડિયા પર આવી વાતો બનાવે છે. કંઈ જ મુદ્દો નથી, બસ એને મુદ્દો બનાવી દેવામાં આવ્યો છે.’