12 February, 2026 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજપાલ યાદવની ફાઇલ તસવીર
અભિનેતા રાજપાલ યાદવ (Rajpal Yadav) અત્યારે સમાચારમાં છે. કૉમેડી અભિનેતાએ અનેક ચેક બાઉન્સ કેસોના સંદર્ભમાં (Tihar Jail)માં આત્મસમર્પણ કર્યું છે. ગુરુવારે દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)એ રાજપાલ યાદવની જામીન અરજી પર સુનાવણી કરી. ત્યારે અભિનેતા પર અનેક ટિપ્પણી કરી છે.
આજે દિલ્હી હાઈકોર્ટે રાજપાલ યાદવની જામીન અરજી પર સુનાવણી (Rajpal Yadav Bail Hearing) કરતા કહ્યું કે, તમે તમારું વચન પાળ્યું નથી તેથી તમારે જેલમાં જવું પડશે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવે ઓછામાં ઓછા બે ડઝન વખત નિવેદનો આપ્યા હતા કે તે પોતાની પ્રતિબદ્ધતાનું પાલન કરશે અને પૈસા ચૂકવશે, પરંતુ તે તેમ કરવામાં નિષ્ફળ ગયા. જસ્ટિસ સ્વરણ કાંતા શર્માએ આજે યાદવની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.
સુનાવણી દરમિયાન, કોર્ટે નોંધ્યું કે રાજપાલ યાદવના વકીલે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે રકમ ફરિયાદીને ચૂકવવામાં આવશે, અને યાદવે પોતે પણ આ જ નિવેદન આપ્યું હતું. જોકે, કોર્ટે નોંધ્યું કે આજે તેમના વકીલો કહી રહ્યા છે કે તેઓ રકમ કોર્ટમાં જમા કરાવશે. જસ્ટિસ શર્માએ યાદવના વકીલોને તેમનો નિર્ણય લેવા કહ્યું અને કહ્યું કે કેસની સુનાવણી આજે બપોરે ૨.૩૦ વાગ્યે ફરી થશે.
દિલ્હી હાઈકોર્ટે લાંબા સમયથી ચાલતા ચેક બાઉન્સ અને લોન ડિફોલ્ટ કેસ (Rajpal Yadav 9 crore debt case)માં છેલ્લી ઘડીની અરજી ફગાવી દીધા બાદ, અભિનેતા રાજપાલ યાદવે ૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું. કોર્ટે વારંવાર તેના આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ તેમને છ મહિનાની જેલની સજા ફટકારી હતી.
રાજપાલ યાદવનો આ કાનૂની વિવાદ છેક ૨૦૧૦ના વર્ષથી ચાલી રહ્યો છે. અભિનેતા રાજપાલ યાદવે વર્ષ ૨૦૧૨માં આવેલી પોતાની ફિલ્મ ‘અતા પતા લાપતા’ (Ata Pata Laapata) માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (Murali Projects Private Limited) પાસેથી પાંચ કરોડ રૂપિયાની લોન લીધી હતી. જોકે ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ખરાબ રીતે નિષ્ફળ જતાં તેને ભારે નુકસાન થયું હતું અને લોન ચૂકવવામાં ઘણી મુશ્કેલી આવી છે.
એ પછી રાજપાલ યાદવે આપેલા ચેક પણ બાઉન્સ થઈ ગયા છે એટલે મામલો કાનૂની બની ગયો છે. આ કેસમાં ૨૦૧૮ના એપ્રિલમાં રાજપાલ યાદવ અને તેની પત્નીને ૬ મહિનાની જેલની સજા પણ સંભળાવવામાં આવી હતી. જોકે તેમણે આ નિર્ણયને પડકાર્યો હતો અને ઘણી વખત કોર્ટ તરફથી રાહત મળી હતી, પણ વારંવાર રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં તાજેતરમાં કોર્ટે તેને વિલંબ કર્યા વિના સરેન્ડર થવાનો આદેશ આપ્યો હતો. પછી આ અઠવાડિયે અભિનેતા રાજપાલ યાદવ તિહાર જેલ (Tihar Jail)માં સરેન્ડર કર્યું હતું.