18 April, 2026 01:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજેશ કુમાર ટ્રાફિકને કારણે કાર વેચીને મેટ્રો ને કૅબમાં ટ્રાવેલ કરે છે
‘સારાભાઈ વર્સસ સારાભાઈ’માં રોસેશનો રોલ કરીને જાણીતા થયેલા ઍક્ટર રાજેશ કુમારે ગયા વર્ષે કહ્યું હતું કે તેના પર બે કરોડ રૂપિયા જેટલું દેવું છે, પણ હાલમાં તેણે ખુલાસો કર્યો છે કે તે હવે પોતાના મોટા આર્થિક દેવામાંથી લગભગ બહાર આવી ગયો છે. હકીકતમાં રાજેશે કોરોના દરમ્યાન ખેતીમાં હાથ અજમાવ્યો હતો, પરંતુ અનુભવના અભાવે તે નિષ્ફળ સાબિત થયો હતો અને દેવામાં ફસાઈ ગયો હતો. હવે રાજેશ કુમારની બે કરોડ રૂપિયાની લોનમાંથી માત્ર ૧૦–૧૫ ટકા રકમ જ આપવાની બાકી રહી છે. આ સાથે જ તેણે એ પણ જણાવ્યું કે તેણે પોતાની કાર વેચી દીધી છે.
રાજેશ કુમારે સ્પષ્ટ કર્યું કે કાર વેચવાનો નિર્ણય આર્થિક મુશ્કેલીઓના કારણે નહોતો, પરંતુ મુંબઈના ટ્રાફિકને કારણે લીધો હતો. રાજેશ કુમારે કહ્યું હતું કે તે મુખ્યત્વે લોકલ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે અને શૂટિંગ માટે પણ ઓલા, ઉબર અથવા રૅપિડો જેવી સર્વિસ લેવાનું પસંદ કરે છે.
હવે રાજેશ કુમાર માટે પ્રતિષ્ઠા કરતાં સુવિધા વધુ મહત્ત્વની છે. પોતાના ટ્રાન્સપોર્ટ વિશે વાત કરતાં રાજેશ કુમારે કહ્યું, ‘હું મેટ્રોનો નિયમિત રીતે ઉપયોગ કરું છું અને જાહેર સ્થળોએ ઓળખાઈ જવાથી મને ક્યારેય સમસ્યા નથી પડતી. ઍરપોર્ટ હોય કે વિદેશ... લોકો મને ઓળખે છે અને ફોટો લે છે. આ મારા કામનો એક હિસ્સો છે. માણસે પોતાને વધારે મહત્ત્વ આપવું બંધ કરવું જોઈએ અને આંતરિક ખુશી જ સૌથી અગત્યની છે. હું હવે લગભગ આર્થિક ચક્રમાંથી બહાર આવી ગયો છું અને ટૂંક સમયમાં કંઈક નવું લઈને આવીશ.’