મેરે દેશ કે ગાંવ નાટકથી ઍક્ટિંગની શરૂઆત કરી હતી રાજેશ ખન્નાએ

26 March, 2020 06:40 PM IST  |  Mumbai | Ashu Patel

મેરે દેશ કે ગાંવ નાટકથી ઍક્ટિંગની શરૂઆત કરી હતી રાજેશ ખન્નાએ

રાજેશ ખન્ના

રાજેશ ખન્ના ટીનેજર હતા ત્યારે તેમને નાટકોમાં અભિનય કરવાનો શોખ જાગ્યો હતો. એક વખત તેઓ તેમની માતા સાથે કોઈ નાટક જોવા ગયા હતા અને ત્યાં તેમને થયું હતું કે આ તો મજા આવે એવી પ્રવૃત્તિ છે. એ પછી રાજેશ ખન્ના દિગ્દર્શક વી. કે. શર્માની સાથે નાટકમાં કામ કરવા માટે કોશિશ કરવા લાગ્યા હતા. વી. કે. શર્મા એક નાટક બનાવી રહ્યા હતા એનાં રિહર્સલ્સ ચાલતાં હતાં એ દરમિયાન રાજેશ ખન્ના દરરોજ એ રિહર્સલના સ્થળે જતા હતા અને વી. કે. શર્માની નજરમાં રહેવાની કોશિશ કરતા હતા. એક દિવસ તેમને વી. કે. શર્મા ચાન્સ આપશે એવી આશામાં તેઓ ત્યાં પહોંચી જતા હતા. એક દિવસ એ નાટકનો એક કલાકાર બીમાર પડી ગયો. એ નાટકનો પહેલો શો બે દિવસ પછી ભજવવાનો હતો. વી. કે. શર્મા આટલી ટૂંકી મુદતમાં એ નાનકડા રોલ માટે કયા કલાકારને લેવો એ મુદ્દે ચિંતિત બની ગયા હતા. એ વખતે તેમનું ધ્યાન રાજેશ ખન્ના પર ગયું. રાજેશ ખન્ના એ વખતે એક ખૂણામાં ઊભા રહીને રિહર્સલ જોઈ રહ્યા હતા. તેમણે રાજેશ ખન્નાને પોતાની પાસે બોલાવીને કહ્યું કે તું આ રોલ કરીશ?

રાજેશ ખન્ના તો ખુશ થઈ ગયા. તેમણે એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘મારા માટે એ ક્ષણ હૃદયના ધબકારા વધારી દેનારી હતી. મારે જે દુનિયામાં જવું હતું એ દુનિયામાં મને એ એક જ સવાલથી પ્રવેશ મળી ગયો હતો.’

એ નાટકનું નામ હતું, ‘મેરે દેશ કે ગાંવ’. એ નાટક સ્ટેટ લેવલ થિયેટર કૉમ્પિટિશનમાં બે દિવસ પછી નાગપુરમાં ભજવવાનું હતું. એ દિવસોમાં રાજેશ ખન્નાના એ વખતના મિત્ર હરિ દત્તે મહત્ત્વનું પાત્ર ભજવ્યું હતું. હરિ દત્તે ‘રાજેશ ખન્ના: ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ ઇન્ડિયાઝ ફર્સ્ટ સુપરસ્ટાર’ પુસ્તક લખનારા યાસીર ઉસ્માનને કહ્યું હતું કે ‘મને એ દિવસ આજે પણ યાદ છે. એ તારીખ હતી ૩ મે, ૧૯૬૧. કારણ કે એ દિવસે મને એક પાગલ વ્યક્તિના રોલ માટે બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો હતો. જતીનનો રોલ બહુ નાનો હતો. તેણે એક દરવાનનો રોલ કર્યો હતો. પરંતુ મને યાદ છે કે તે નર્વસ હતો અને ધ્રૂજી રહ્યો હતો. એ આખા પ્લેમાં જતીને માત્ર એક જ લાઇન બોલવાની હતી: જી હુજૂર, સાહબ ઘર મેં હૈ. જતીને ખૂબ રિહર્સલ કર્યાં અને એ લાઇન ગોખી લીધી હતી. પરંતુ જેમ-જેમ પર્ફોર્મન્સનો સમય નજીક આવતો ગયો તે એકદમ રેસ્ટલેસ અને ભયભીત બનવા લાગ્યો. લાઇવ સ્ટેજ પર જઈને ફુલ ઑડિયન્સની સામે પ્રથમ વખત ડાયલૉગ બોલવાના વિચારથી તે અત્યંત નર્વસ થઈ ગયો હતો. એ પછી શો શરૂ થયો અને એ પછી તરત જ જતીનનો સીન આવવાનો હતો. જતીને જોયું કે હજાર આંખો તેને જોઈ રહી હતી અને તેને જાણે લાગતું હતું કે તેના હૃદયના ધબકારાનો અવાજ તેના કાનમાં ડ્રમની જેમ વાગી રહ્યો છે. નર્વસનેસને કારણે તેણે ડાયલૉગ બોલવામાં લોચો મારી દીધો.’

રાજેશ ખન્નાએ એક મુલાકાતમાં એ વાત કહી હતી કે ‘મારા બેસ્ટ એફર્ટ્સ છતાં એ શોના પ્રથમ દિવસે હું નર્વસ થઈ ગયો હતો અને મારે જે લાઇન બોલવાની હતી એના બદલે હું કંઈક ભળતું જ બોલી આવ્યો હતો!’

‘જી હુજૂર, સાહબ ઘર મેં હૈ’ ના બદલે રાજેશ ખન્નાએ કહ્યું હતું, ‘જી સાહબ, હુજૂર ઘર મેં હૈ!’ ડિરેક્ટર વી. કે. શર્મા રાજેશ ખન્ના પર ભડકી ગયા હતા. શો પત્યા પછી રાજેશ ખન્ના તેમને કે બીજા કોઈને મળ્યા વિના ત્યાંથી ભાગી છૂટ્યા હતા!

rajesh khanna ashu patel bollywood news entertainment news