નાટકના પહેલા જ શોમાં ફિયાસ્કો થતાં રાજેશ ખન્ના મોટે મોટેથી રડ્યા હતા

27 March, 2020 02:43 PM IST  |  Mumbai | Ashu Patel

નાટકના પહેલા જ શોમાં ફિયાસ્કો થતાં રાજેશ ખન્ના મોટે મોટેથી રડ્યા હતા

રાજેશ ખન્ના

રાજેશ ખન્નાનો પહેલા નાટકના પહેલા શોમાં જ ફિયાસ્કો થયો એ પછી તેઓ ડિસ્ટર્બ થઈ ગયા હતા. તેઓ એ દિવસે આંખમાં આંસુ સાથે સ્ટેજ છોડીને જતા રહ્યા હતા અને તેમનો આત્મવિશ્વાસ એટલી હદ સુધી તૂટી ગયો હતો કે તેમણે રિહર્સલ્સમાં જવાનું બંધ કરી દીધું હતું. એ પછી બીજા દિવસે ઘરે પહોંચ્યા પછી પણ તેઓ કોઈ સાથે આંખ મિલાવી નહોતા શક્યા. તેઓ સીધા જ પોતાની રૂમમાં ગયા હતા અને પોતાનું પ્રતિબિંબ નિહાળતા રહ્યા હતા. તેમને એ દિવસે સમજાયું કે તેઓ બધાથી ભાગી શકશે, પણ પોતાની જાતથી નહીં ભાગી શકે. ડ્રીમ પૂરું કરવાની કોશિશમાં તેમને માટે પ્રથમ ગ્રાસે જ માક્ષિકા જેવો ઘાટ સર્જાયો હતો.
 રાજેશ ખન્નાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે એ ઘટનાએ મારા આત્મવિશ્વાસને ડગમગાવી દીધો હતો. તેમના કહેવા પ્રમાણે એ દિવસે તેઓ પોતાની રૂમમાં મોટે મોટેથી રડ્યા હતા. એ દિવસે ઊંઘ આવે એ માટે તેમણે વ્હિસ્કીના ઘણા બધા પેગ પીધા હતા છતાં તેમને ઊંઘ નહોતી આવી. એ પછી તેમના મિત્રોએ તેમને પ્રોત્સાહન આપવાની કોશિશ કરી હતી. 

હરિ દત્તે યાસિર ઉસ્માનને તેમની બુક ‘રાજેશ ખન્ના: ઍન અનટોલ્ડ સ્ટોરી ઑફ અ સુપરસ્ટાર’ માટે આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ‘જતીન (રાજેશ ખન્નાનું મૂળ નામ જતીન હતું) ડાયલૉગ બોલવામાં લોચો મારવાને લીધે એટલી ક્ષોભજનક પરિસ્થિતિમાં હતો કે તેણે રિહર્સલમાં જવાનું પણ બંધ કરી દીધું હતું. મેં તેને કહ્યું હતું કે આવું તો બનતું રહે.’

 રાજેશ ખન્ના ખૂબ ચિંતિત હતા, કારણ કે એ દિવસોમાં તેમના પાલક પિતા ચુનીલાલ ખન્ના તેમને પોતાની સાથે બિઝનેસમાં જોડાઈ જવા માટે તેમના પર દબાણ કરી રહ્યા હતા. અભિનયનું સપનું પૂરું કરવા માટે તો તેમણે પિતાના બિઝનેસથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું અને પોતે એક ડાયલૉગ સરખો ન બોલી શક્યા એ વાત તેમને રહી-રહીને સતાવતી હતી, પરંતુ એ પછી તેમને કળ વળી અને રાજેશ ખન્નાએ ફરી વાર આત્મવિશ્વાસ મેળવી લીધો હતો.
થોડા સમય પછી તેઓ ફરી એ પ્લેમાં પાછા આવ્યા હતા. એ નાટક એ કંપનીનાં સૌથી સફળ નાટકો પૈકીનું એક બન્યું હતું. 

‘કભી કભી’ અને ‘સિલસિલા’ જેવી ફિલ્મ લખનારા સાગર સરહદીએ યાસિર ઉસમાનને કહ્યું હતું કે ‘અમારા માટે રાજેશ ખન્ના એક આનંદી છોકરો હતો અને બધી છોકરીઓ તેની આગળ-પાછળ ફરતી રહેતી હતી.’

રાજેશ ખન્નાએ સાગર સરહદીના ‘મેરે દેશ કે ગાંવ’ અને ‘શામ ગુજર આયી’ નામનાં બે નાટકમાં કામ કર્યું હતું. જોકે એ વખતે તેને અમે કોઈએ ગંભીરતાથી લીધો નહોતો એવું સાગર સરહદીએ કહ્યું હતું.

 એ પછી સાગર સરહદીએ ‘ઔર દિયે બુઝ ગયે’ નાટક લખ્યું હતું અને એમાં રાજેશ ખન્નાએ મોટા ભાઈનો રોલ કર્યો હતો. એ નાટક પણ વી. કે. શર્માએ ડિરેક્ટ કર્યું હતું. એ નાટક માટે રાજેશ ખન્નાને પ્રશંસા મળી હતી અને કૉલેજ ફેસ્ટિવલમાં અવૉર્ડ પણ મળ્યો હતો.
 
એ પછી તેમણે ‘અંધા યુગ’ નાટકમાં પણ કામ કર્યું હતું, જે એ વખતના જાણીતા નાટ્યદિગ્દર્શક સત્યદેવ દુબેએ લખ્યું હતુ. એ નાટકમાં તેમણે એક ઘાયલ સૈનિકનો રોલ કર્યો હતો. એ રોલ માટે તેમની પ્રશંસા થઈ હતી અને એ માટે તેમને ઇનામ પણ મળ્યું હતું. એ વખતે ચીફ ગેસ્ટ તરીકે આવેલા મહાનુભાવે તેમને કહ્યું હતું કે ‘તું બહુ સારો અભિનેતા બની શકે છે. તારે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જઈને અભિનેતા બનવાની કોશિશ કરવી જોઈએ.’

ત્યારે જોકે એ ચીફ ગેસ્ટને એવી કલ્પના નહીં હોય કે આ યુવાન પાછળ આખો દેશ પાગલ થઈ જશે!

rajesh khanna bollywood news entertainment news ashu patel