'પ્યાર તૂને ક્યા કિયા' ફૅમ દિગ્દર્શક રજત મુખરજીનું નિધન

19 July, 2020 02:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

'પ્યાર તૂને ક્યા કિયા' ફૅમ દિગ્દર્શક રજત મુખરજીનું નિધન

રજત મુખરજી

2001માં આવેલી ફરદીન ખાન (Fardeen Khan) અને ઉર્મિલા માતોંડકર (Urmila Mantondkar)ની ફિલ્મ 'પ્યાર તૂને ક્યા કિયા' ફૅમ દિગ્દર્શક રજત મુખરજી (Rajat Mukherjee)નું આજે એટલે કે 19 જૂલાઈના રોજ સવારે જયપુરમાં અવસાન થયું છે. દિગ્દર્શક લાંબા સમયથી બીમાર હતા અને તેમની કિડની તથા ફેફસાની સારવાર ચાલતી હતી.

સુત્રોએ આપેલી માહિતી મુજબ, લૉકડાઉની જાહેરાત થઈ ત્યારબાદ રજત મુખરજી પોતાના હૉમટાઉન જયપુર ગયા હતા. લાંબા સમયથી તેમની સારવાર ચાલતી હતી અને મે મહિનામાં તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેઓ ડાયલિસિસ પર હતા.

રજત મુખરજીના અવસાનના સમાચાર સાંભળીને બૉલીવુડ અભિનેતા મનોજ બાજપાઈ (Manoj Bajpayee), દિગ્દર્શક હંસલ મહેતા (Hansal Mehta) તથા અનુભવ સિંહા (Anubhav Sinha)એ સોશ્યલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

મનોજ બાજપાઈએ ટ્વીટ કર્યું હતું કે, 'મારા મિત્ર તથા 'રોડ'ના દિગ્દર્શકક રજત મુખરજીનું આજે સવારે જયપુરમાં લાંબી બીમારી બાદ અવસાન થયું છે. રજતની આત્માને શાંતિ મળે. અમને હજી પણ વિશ્વાસ નથી કે હવે અમે ક્યારેય મળી નહીં શકીએ અથવા પોતાના કામની ક્યારેય ચર્ચા નહીં કરી શકીએ. તે જ્યાં પણ રહે ખુશ રહે.'

દિગ્દર્શક હંસલ મહેતાએ લખ્યું હતું કે, 'હમણાં જ એક પ્રિય મિત્રના અવસાનના સમાચાર મળ્યા. 'પ્યાર તૂને ક્યા કિયા' તથા 'રોડ'ના દિગ્દર્શક રજત મુખરજી મુંબઈમાં અમારા શરૂઆતના સમયના સંઘર્ષના એક મિત્ર હતાં. અનેક ભોજન સાથે કર્યા, ઓલ્ડ મોન્કની અનેક બોટલ પૂરી કરી અને હવે તે બીજી દુનિયામાં પૂરી કરશે. પ્રિય મિત્ર તારી હંમેશાં યાદ આવશે.'

અનુભવ સિંહાએ લખ્યું હતું કે, 'વધુ એક મિત્ર જલ્દી જતો રહ્યો. ડિરેક્ટર રજત મુખરજી ('પ્યાર તૂને ક્યા કિયા','રોડ') છેલ્લાં કેટલાંય સમયથી જયપુરમાં સ્વાસ્થ્ય સંબંધિત બીમારીનો સામનો કરતા હતા.'

રજત મુખરજીએ પોતાની કારકિર્દી દરમ્યાન 'પ્યાર તૂને ક્યા કિયા' ઉપરાંત 'લવ ઈન નેપાલ', 'ઉમ્મીદ', 'રોડ' જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું.

entertainment news bollywood bollywood gossips manoj bajpayee anubhav sinha