05 March, 2025 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા પપ્પા અશોક ચોપડાની બહુ નજીક હતી. પ્રિયંકાના પપ્પાનું ૨૦૧૩માં કૅન્સરને લીધે અવસાન થયું હતું. પ્રિયંકા ઇન્ટરવ્યુમાં ઘણી વખત પોતાનાં મમ્મી-પપ્પાની વાત કરતી રહે છે. હાલમાં પ્રિયંકાની મમ્મી મધુ ચોપડાએ એક જૂનો કિસ્સો શૅર કર્યો હતો. ૨૦૧૩માં પ્રિયંકાના પપ્પાનું અવસાન થયું એના ૬ દિવસ પછી મમ્મી મધુની ૬૦મી વર્ષગાંઠ હતી. પપ્પાના અવસાને ૬ જ દિવસ થયા હોવા છતાં પ્રિયંકાએ એ દિવસની ખાસ ઉજવણી કરી હતી અને તેમના ઘરે જૉન એબ્રાહમ આવ્યો હતો.
આ પ્રસંગ વિશે વાત કરતાં મધુ ચોપડાએ જણાવ્યું હતું કે ‘મારા પતિનું અવસાન ૧૦ જૂને થયું હતું અને ૧૬ જૂને મારો જન્મદિવસ હતો. આ દિવસને સેલિબ્રેટ કરવા માટે બહુ મોટી પાર્ટીનું પહેલાંથી જ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. એ સમયે અશોકની બીમારીને કારણે આખો પરિવાર હાજર હતો. પરિવાર અશોકના અવસાનનો શોક મનાવી રહ્યો હતો ત્યારે પ્રિયંકાએ બધાને બર્થ-ડે પાર્ટીમાં હાજર રહેવા માટે આગ્રહ કર્યો હતો, કારણ કે તેના પપ્પા ઇચ્છતા હતા કે મારા જન્મદિવસે ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવે.’
આ પાર્ટી વિશે વાત કરતાં મધુએ જણાવ્યું હતું કે ‘એ દિવસે પ્રિયંકાએ લાંબા સમય સુધી તેના ક્રશ રહેલા જૉન એબ્રાહમને ખાસ આમંત્રણ આપ્યું હતું અને તેને ગિફ્ટની જેમ રૅપ કરીને મારી સામે રજૂ કરવામાં આવ્યો હતો, કારણ કે તે આ પળને ખાસ બનાવવા માગતી હતી. એ સમયે પરિવારના બીજા સભ્યો ઉદાસ થઈને બેઠા હતા અને મારી તેમ જ પ્રિયંકાની ટીકા કરી રહ્યા હતા. જોકે હું એવું વિચારતી હતી કે મારી દીકરીએ આટલી મહેનત કરીને આ આયોજન કર્યું છે અને બધા દુખી છે. જોકે પ્રિયંકા આ પ્રયાસ કરીને તેના પિતાની ઇચ્છાનું સન્માન કરી રહી હતી.’