16 June, 2026 09:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંગીતકાર પ્રીતમ
સંગીતકાર પ્રીતમે રવિવારે ૧૪ જૂને પોતાની પંચાવનમી વર્ષગાંઠ ઊજવી હતી. જન્મદિવસના એક દિવસ બાદ તેણે સોશ્યલ મીડિયા પર ચાહકો અને શુભેચ્છકોનો આભાર માનતી એક પોસ્ટ શૅર કરી હતી. પ્રીતમની આ પોસ્ટના એક ખાસ સંદેશાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે લખ્યું કે તે હવે પોતાની જાતને ‘જીવન અલગ રીતે જીવવા માટે થોડાં વર્ષોની ભેટ’ આપી રહ્યો છે અને જીવનમાં જે કંઈક ચૂકી ગયો છે તેને ફરીથી જીવવા ઇચ્છે છે.
પ્રીતમે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘તમામ શુભેચ્છાઓ માટે આભાર. હું દરેકને વ્યક્તિગત રીતે જવાબ આપી શકતો નથી પણ પ્લીઝ મારી હૃદયપૂર્વકની કૃતજ્ઞતા સ્વીકારશો. આજે મેં નક્કી કર્યું છે કે હું મારી જાતને થોડાં વર્ષોની ભેટ આપું જેથી જીવનને અલગ રીતે જીવી શકું અને જે બાબતો હું ચૂકી ગયો છું તેને ફરીથી અનુભવી શકું. હવે નવી મુસાફરીઓ શરૂ કરવાનો સમય આવી ગયો છે, જેને લાંબા સમયથી પાછળ રાખવામાં આવી હતી. મુખ્ય પ્રવાહની સફર ખૂબ સુંદર રહી છે પણ મને હંમેશાં અજાણ્યા રસ્તાઓ વિશે વધુ જિજ્ઞાસા રહી છે. તમારા પ્રેમ અને સમર્થન માટે આભાર. હંમેશાં.’
પ્રીતમની આ પોસ્ટ બાદ ચાહકોમાં ચર્ચા શરૂ થઈ અરિજિત પછી હવે કદાચ પ્રીતમ પણ નિવૃત્તિ લેવાના પ્લાનિંગમાં છે. જોકે પ્રીતમે પોતાની પોસ્ટમાં નિવૃત્તિ અથવા સંગીત છોડવાની કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી અને તેણે માત્ર જીવનના નવા અનુભવો અને નવી દિશાઓમાં આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી છે.