વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક 15 ઓક્ટોબરે થિયેટરમાં રિ-રિલીઝ થશે

10 October, 2020 11:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક 15 ઓક્ટોબરે થિયેટરમાં રિ-રિલીઝ થશે

આ ફિલ્મમાં વિવેક ઓબેરોય નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવે છે

કોરોના વાયરસ અને લૉકડાઉનને કારણે લગભગ છેલ્લા સાત મહિનાથી થિયેટરો બંધ હતા. પરંતુ હવે 15 ઓક્ટોબરથી થિયેટરો શરૂ થઈ રહ્યાં છે. ત્યારે શરૂઆતમાં થિયેટરમાં જૂની ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. પ્રોડ્યૂસર સંદીપ સિંહે ગયા વર્ષે રિલીઝ થયેલી પોતાની ફિલ્મ 'PM નરેન્દ્ર મોદી'ને થિયેટરમાં બીજીવાર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મમાં વિવેક ઓબેરોય (Vivek Oberoi) મુખ્ય ભૂમિકામાં છે. 15 ઓક્ટોબરના રોજ આ ફિલ્મ રિ-રિલીઝ થશે. લૉકડાઉન બાદ થિયેટરમાં રિલીઝ થનારી આ પહેલી ફિલ્મ છે.

'PM નરેન્દ્ર મોદી' વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની બાયોપિક છે. આ ફિલ્મમાં અભિનેતા વિવેક ઓબેરોય નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીના નાનપણથી લઈ મુખ્યમંત્રી તથા 2014માં લોકસભાની ચૂંટણી જીત્યા ત્યાં સુધીની વાત કરવામાં આવી છે. આ ફિલ્મ ગત વર્ષે એટલે કે 24 મે 2019ના રોજ રિલીઝ થઈ હતી. ત્યારે દેશમાં ચૂંટણીઓ યોજાઈ હતી, જેના કારણે તેની રિલીઝને લઈને ઘણો વિવાદ થયો હતો અને ફિલ્મ થિયેટરોમાં ખાસ કમાણી કરી શકી ન હતી. જોકે, થિયેટરો ફરી શરૂ થયા પછી પણ કેટલા લોકો ફિલ્મ જોવા પહોંચે છે તે વિશે કંઈ કહી શકાય તેમ નથી.

થિયેટરમાં ફિલ્મ રિ-રિલીઝ થઈ રહી છે ત્યારે પ્રોડ્યૂસર સંદીપ સિંહે કહ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન છે. આ વાત 2019ની ચૂંટણીમાં સાબિત થઈ ગઈ હતી. થિયેટર ફરી એકવાર ઓપન થઈ રહ્યા છે ત્યારે પ્રેરણાત્મક નેતાના જીવન સાથે જોડાયેલી પ્રેરણાદાયી વાર્તાને સ્ક્રીન પર બતાવવી જોઈએ. મને આ ઐતિહાસિક ક્ષણનો હિસ્સો બનવા પર ગર્વ છે. ગયા વર્ષે આ ફિલ્મ રિલીઝમાં મોડું થયું હતું અને તેને કારણે સિનેપ્રેમીઓ ફિલ્મ જોઈ શક્યા નહોતા. અમને આશા છે કે આ ફિલ્મથી થિયેટરમાં ફરી એકવાર જીવ ફૂંકાશે.'

ફિલ્મના ડિરેક્ટર ઓમંગ કુમારે કહ્યું હતું, 'થિયેટર ફરીવાર ખુલવા જઈ રહ્યા છે અને અમે અમારી ફિલ્મ 'PM નરેન્દ્ર મોદી'ને બીજીવાર રિલીઝ કરી રહ્યા છે. મને ઘણો જ આનંદ છે. આ ફિલ્મ બનાવવા માટે અમે ઘણી જ મહેનત કરી હતી. અમે ઈચ્છીએ છીએ કે દરેક લોકો આ ફિલ્મ જુએ.'

ફિલ્મ પ્રોડ્યૂસર આચાર્ય મનીષે કહ્યું હતું, 'આપણા તમામ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરણાદાયી વ્યક્તિ છે. મને ઘણો જ આનંદ છે કે મેં આ ફિલ્મના પ્રોડ્યૂસર બનીને મારી કરિયરની શરૂઆત કરી છે.'

'PM નરેન્દ્ર મોદી'માં વિવેક ઓબેરોય ઉપરાંત બમન ઈરાની, દર્શન કુમાર, મનોજ જોષી, પ્રશાંત નારાયણ, ઝરીના વહાબ, બરખા બિષ્ટ, અંજન શ્રીવાસ્તવ, યતિન કારેકર, રાજેન્દ્ર ગુપ્તા, અક્ષત છે.

entertainment news bollywood bollywood news narendra modi vivek oberoi boman irani manoj joshi barkha bisht