મહિલાઓ હવે બની છે સુપરવુમન

14 September, 2026 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાંબા સમય બાદ ફિલ્મોમાં કમબૅક કરી ચૂકેલી પ્રીતિ ઝિન્ટાએ મમ્મી બન્યા બાદ પ્રોફેશનલ જવાબદારીઓ નિભાવવા વિશે વાત કરી

પ્રીતિ ઝિન્ટા

પ્રીતિ ઝિન્ટાએ અભિનયની સાથે-સાથે પોતાની જિંદગીનાં અલગ-અલગ પાત્રો પણ સારી રીતે નિભાવ્યાં છે. મમ્મી બન્યા પછી તેણે ફિલ્મોથી અંતર બનાવી લીધું હતું, પણ આ સમય દરમ્યાન તેણે પોતાની પર્સનલ લાઇફની સાથે બિઝનેસ પર પણ ધ્યાન આપ્યું. હવે લાંબા સમય બાદ ફિલ્મોમાં કમબૅક કરી ચૂકેલી પ્રીતિએ પોતાની જિંદગીની આ સફર અને મમ્મી બન્યા બાદ પ્રોફેશનલ જવાબદારીઓ નિભાવવા વિશે વાત કરી છે. 
પોતાની જવાબદારીઓ વિશે વાત કરતાં પ્રીતિએ કહ્યું હતું કે ‘મહિલાઓ સ્વભાવથી જ મલ્ટિટાસ્કર હોય છે. ભલે મારી મમ્મી નોકરી કરતી નહોતી; પણ તેનું કામ મારા પિતા, ત્રણ બાળકો, ઘર અને ન જાણે કેટલી બધી વસ્તુઓની સંભાળ રાખવાનું હતું. હવે મહિલાઓ સુપરવુમન બની ગઈ છે કારણ કે ઘણી મહિલાઓ કામ કરે છે અને ઘરે આવ્યા બાદ પણ બાળકોની સંભાળ રાખે છે. કામ અને માતૃત્વને એકસાથે સંભાળવું પડકારજનક તો છે જ. હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું, કારણ કે મારી સાથે એવા લોકોનો સપોર્ટ છે જેમની મદદથી હું મારી પ્રોફેશનલ અને પર્સનલ જવાબદારીઓ સંભાળી શકું છું. જો મને મદદ ન મળતી હોત તો મારા માટે મારા કામ માટે બહાર આવવું પણ મુશ્કેલ હોત. જો તમે જિંદગીમાં 
અલગ-અલગ વસ્તુઓ ઇચ્છતા હો તો તમારે અલગ-અલગ સમયે વસ્તુઓને પ્રાથમિકતા આપવી પડે છે. આ સરળ નથી, પણ જો તમારી પાસે સાધનો અને સુવિધાઓ હોય તો આ એટલું મુશ્કેલ પણ નથી.’

 જે મહિલાઓ કોઈ પણ મદદ વિના નોકરીની સાથે ઘર અને બાળકોની જવાબદારી સંભાળે છે તેમના માટે મારા દિલમાં ખૂબ જ સન્માન છે. દરેક મહિલાની પરિસ્થિતિ અલગ હોય છે અને જે મહિલાઓ પાસે મદદનાં વધુ સાધનો નથી તેમના માટે આ સફર વધુ પડકારજનક હોય છે. હું આ વાત માટે ભગવાનની આભારી છું કે મારી પાસે મારી જિંદગી વિશે કેટલાક વિકલ્પો પસંદ કરવાની આઝાદી છે.

બટવારા 1947ની નિષ્ફળતા પર પ્રીતિ ઝિન્ટાએ શું કહ્યું?

૧૪ ઑગસ્ટે રિલીઝ થયેલી સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટાની ‘બટવારા 1947’ને ખાસ સફળતા મળી શકી નહોતી. હવે પ્રીતિ ઝિન્ટાએ આ ફિલ્મની નિષ્ફળતા વિશે વાત કરી છે. 
‘બટવારા 1947’ની નિષ્ફળતા વિશે વાત કરતાં પ્રીતિએ કહ્યું હતું કે ‘મારી વાત શરૂ કરતાં પહેલાં હું એ કહેવા માગું છું કે મને આ ફિલ્મ પર ખૂબ ગર્વ છે અને આ અનુભવ ખૂબ જ શાનદાર રહ્યો છે. એક કલાકાર તરીકે મારો હંમેશાં લોકોની અપેક્ષાઓ પર ખરા ઊતરવાનો પ્રયાસ રહે છે. મેં પહેલાં પણ કહ્યુ છે કે હું કર્મમાં વિશ્વાસ રાખું છું. તમે તમારું કર્મ કરો અને બાકીનું બધું ભગવાન પર છોડી દો. શું થશે એના પર તમારું કોઈ નિયંત્રણ હોતું નથી. આ કારણે હું દરેક ફિલ્મમાં શક્ય હોય તેટલી મહેનત કરું છું. હું મારા ૧૦૦૦ ટકા આપું છું અને  ફિલ્મનું શું થશે અને શું નહીં એની ચિંતા ભગવાન પર છોડી દઉં છું.’

પ્રીતિ ઝિન્ટા ક્યારેય નથી જોતી પોતાની ફિલ્મો

પ્રીતિ ઝિન્ટા ટૂંક સમયમાં કુણાલ ખેમુની ફિલ્મ ‘વાઇબ’માં જોવા મળશે. બૉલીવુડમાં કમબૅક કર્યા બાદ આ તેની બીજી ફિલ્મ છે. એક સમયે બૉલીવુડની ટોચની હિરોઇન રહી ચૂકેલી પ્રીતિએ હાલમાં ખુલાસો કર્યો છે કે તેને પોતાને પડદા પર જોવાનું વિચિત્ર લાગે છે એટલે તે પોતાની જ ફિલ્મો જોતી નથી. પોતાના આ વર્તન પાછળનું કારણ જણાવતાં પ્રીતિએ કહ્યું હતું કે ‘હું પડદા પર પોતાને ક્યારેય જજ કરી શકતી નથી. હું પોતાને પડદા પર જોતી નથી. ફિલ્મ પૂરી થયા પછી હું એને જોતી નથી. મને ફિલ્મ જોતી વખતે ખૂબ અજીબ લાગે છે. એવું નથી કે હું જોવા માગતી નથી, પણ હું જોઈ શકતી નથી. મને આ ખૂબ અટપટું લાગે છે. હું મારી જાતને પડદા પર જોઈને સતત વિચારું છું કે હું આને વધુ સારી રીતે કરી શકી હોત.’

preity zinta entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood