પ્રીતિ ઝિન્ટાએ વ્યક્ત કરી ગુરુ પ્રત્યે આભારની લાગણી

14 July, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રીતિ અમેરિકામાં રહે છે, પણ તે અવારનવાર પોતાના ધર્મગુરુ પાસેથી માર્ગદર્શન લેતી રહે છે.

આચાર્ય અશોક દ્વિવેદી સાથે પ્રીતિ ઝિન્ટા

પ્રીતિ ઝિન્ટાએ સોશ્યલ મીડિયામાં ગુરુપૂર્ણિમાના અવસરે ફૅન્સને શુભેચ્છાઓ પાઠવી અને ગુરુ-મિત્ર આચાર્ય અશોક દ્વિવેદી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આચાર્ય અશોક દ્વિવેદી ધર્મગુરુ છે અને તેઓ શ્રી કાશી વિશ્વનાથ મંદિર ન્યાસ પરિષદના બે વખત અધ્યક્ષ રહી ચૂક્યા છે. પ્રીતિ અમેરિકામાં રહે છે, પણ તે અવારનવાર પોતાના ધર્મગુરુ પાસેથી માર્ગદર્શન લેતી રહે છે. પ્રીતિએ સોશ્યલ મીડિયામાં વારાણસીમાં લીધેલી એક તસવીર શૅર કરી, જેમાં તે પોતાના ગુરુજી સાથે બેસેલી જોવા મળે છે.

સોશ્યલ મીડિયામાં શૅર કરેલી તસવીર સાથે પ્રીતિએ કૅપ્શનમાં લખ્યું, ‘ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ. આ દિવસ પોતાના આધ્યાત્મિક ગુરુના સન્માનમાં ઊજવવામાં આવે છે. હું મારા ગુરુ-મિત્ર આચાર્ય અશોક દ્વિવેદીનો આભાર માનું છું જેમણે મારી આધ્યાત્મિક યાત્રાને સમજવામાં અને એનું માર્ગદર્શન કરવામાં મારી મદદ કરી. મને સમજવા, મારા મિત્ર બનવા અને મારા સવાલોના જવાબ શોધવામાં મદદ કરવા બદલ આભાર. તમારો હસમુખ સ્વભાવ, વિનમ્રતા સાથેના અન્ય ગુણો મને શક્તિ આપે છે અને મારામાં રહેલી એ શક્તિને શોધવામાં મદદ કરે છે જેના વિશે મને ખબર નહોતી.’

priety zinta guru purnima bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news