02 May, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જાવેદ અખ્તર
જાણીતા ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે હાલમાં કાશ્મીરના પહલગામમાં થયેલા અટૅક પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો વિશે સ્પષ્ટ વાત કરી છે. તેમણે કહ્યું છે કે વર્તમાન સ્થિતિમાં તો પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરવાની પરવાનગી આપવી જોઈએ કે નહીં એવો પ્રશ્ન પણ ન થવો જોઈએ. પહલગામમાં બાવીસમી એપ્રિલે પર્યટકો પર થયેલા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાની ઍક્ટર ફવાદ ખાનની ફિલ્મ ‘અબીર ગુલાલ’ની ભારતમાં રિલીઝ અટકાવી દેવામાં આવી છે ત્યારે જાવેદ અખ્તરનો અભિપ્રાય મહત્ત્વ ધરાવે છે.
એક ઇન્ટરવ્યુમાં જાવેદ અખ્તરે કહ્યું છે કે ‘પહલગામમાં જે થયું એ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો નથી રહ્યા. આ સંજોગોમાં પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરવાની પરવાનગી આપવી જોઈએ કે નહીં એવો પ્રશ્ન કરવો પણ અયોગ્ય છે. જ્યારે બન્ને દેશોના સંબંધ સુધરે ત્યારે યોગ્ય સમયે આ સવાલ ઉઠાવી શકાય, પણ અત્યારે તો એ શક્ય નથી.
ભારતે હંમેશાં પાકિસ્તાની કલાકારોનું સ્વાગત કર્યું છે, પણ પાકિસ્તાન તરફથી ક્યારેય આવી લાગણી જોવા નથી મળી.’
પાકિસ્તાનના અભિગમ વિશે વાત કરતાં જાવેદ અખ્તરે જણાવ્યું હતું કે ‘૬૦ અને ૭૦ના દાયકામાં લતા મંગેશકર પાકિસ્તાનમાં બહુ લોકપ્રિય હતાં છતાં તેમને ત્યાં પર્ફોર્મન્સ આપવાની તક મળી નહોતી. ત્યાંના વહીવટી તંત્ર દ્વારા હંમેશાં અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો. આપણે હંમેશાં તેમને પ્રેમ અને સન્માન આપીએ છીએ પણ તેમના તરફથી જવાબ નથી મળતો. આ એકતરફી સંબંધ ચાલી શકે નહીં. હાલમાં બન્ને દેશના સાંસ્કૃતિક આદાન-પ્રદાન વિશે વાત કરવી યોગ્ય નથી, એના માટે બહેતર માહોલની જરૂર છે.’