09 February, 2025 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં વર્લ્ડ ઑડિયો વિઝ્યુઅલ એન્ટરટેઇનમેન્ટ સમિટ (WAVES)ના સલાહકાર બોર્ડના સભ્યો સાથે વાતચીત કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં વર્લ્ડ ઑડિયો વિઝ્યુઅલ એન્ટરટેઇનમેન્ટ સમિટ (WAVES)ના સલાહકાર બોર્ડના સભ્યો સાથે વાતચીત કરી હતી. આ સભ્યોમાં અમિતાભ બચ્ચન, દિલજિત દોસાંઝ, રજનીકાન્ત, શાહરુખ ખાન, રણબીર કપૂર, ચિરંજીવી, અનિલ કપૂર, અક્ષય કુમાર, અનુપમ ખેર અને એ. આર. રહમાન જેવી ફિલ્મી હસ્તીઓનો સમાવેશ છે. નરેન્દ્ર મોદીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી, માઇક્રોસૉફ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સત્ય નડેલા, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રના ચૅરપર્સન આનંદ મહિન્દ્ર સહિતના બિઝનેસ ટાયકૂન સાથે પણ ચર્ચા કરી હતી. મેગાસ્ટાર ચિરંજીવીએ આ બોર્ડમાં તેને સામેલ કરવા બદલ વડા પ્રધાનનો આભાર માન્યો હતો. ચિરંજીવીએ વચન આપ્યું કે તેઓ WAVES દ્વારા ભારતના ‘સૉફ્ટ પાવર’ને ઊંચાઈએ લઈ જવામાં મદદ કરશે અને ભારતને વૈશ્વિક કન્ટેન્ટ નિર્માણનું કેન્દ્ર બનાવશે.
નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ ચર્ચાને હાઇલાઇટ કરી હતી. તેમણે લખ્યું હતું કે ‘મનોરંજન, સર્જનાત્મકતા અને સંસ્કૃતિની દુનિયાને એકસાથે લાવનારા વૈશ્વિક શિખર સંમેલન WAVESના સલાહકાર બોર્ડની બેઠક પૂર્ણ થઈ. સલાહકાર બોર્ડના સભ્યો વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠ સ્ટાર્સ છે. તેમણે ભારતને વૈશ્વિક મનોરંજન કેન્દ્ર બનાવવા માટે અમને અનેક ઉત્તમ સૂચન આપ્યાં.’
WAVES સમિટની બેઠકમાં નવા વિચાર, વૈશ્વિક નેતૃત્વ અને ભારતના સાંસ્કૃતિક, ટેક્નૉલૉજિકલ પ્રભાવને આગળ વધારવાની રણનીતિ પર ચર્ચા થઈ. WAVES શિખર સંમેલનનો ઉદ્દેશ ક્રૉસ-ઇન્ડસ્ટ્રી સહકારને પ્રોત્સાહન આપવાનો અને ડિજિટલ-સર્જનાત્મક અર્થતંત્રમાં ભારતને આગળ વધારવાનો છે.