કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં ઇન્ડિયાએ બનાવ્યો ઇતિહાસ

27 May, 2024 11:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાયલ કાપડિયાની પહેલી ફિલ્મ ‘ઑલ વી ઇમૅજિન ઍઝ લાઇટ’ને મળ્યો આ ફેસ્ટિવલનો સૌથી સન્માનનીય બીજા ક્રમનો અવૉર્ડ : પાયલે કાન ફિલ્મ-ફેસ્ટિવલને વિનંતી કરી કે હવે ફરી ૩૦ વર્ષની રાહ જોવી પડે એમ ન થવું જોઈએ

પાયલ કાપડિયાની પહેલી ફિલ્મ ‘ઑલ વી ઇમૅજિન ઍઝ લાઇટ’ને મળ્યો અવૉર્ડ

પાયલ કાપડિયાની પહેલી ફિલ્મ ‘ઑલ વી ઇમૅજિન ઍઝ લાઇટ’ને ફ્રાન્સમાં કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં ગ્રાં પ્રી અવૉર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ ફેસ્ટિવલમાં સર્વોચ્ચ અવૉર્ડ્‍સના લિસ્ટમાં આ બીજા ક્રમે આવે છે. પાયલની આ સફળતા પર બૉલીવુડની સેલિબ્રિટીઝ તેને અભિનંદન આપી રહી છે અને ગર્વ અનુભવી રહી છે. આ ફિલ્મને કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં નૉમિનેટ કરવામાં આવી હતી. ૩૦ વર્ષ બાદ આ ઇવેન્ટમાં ભારતીય ફિલ્મને નૉમિનેટ કરવામાં આવી હતી. એનું પ્રીમિયર ગુરુવારે કરવામાં આવ્યું હતું. ફિલ્મ જોયા બાદ એને આઠ મિનિટનું સ્ટૅન્ડિંગ ઓવેશેન પણ મળ્યું હતું. મલયાલમ, હિન્દી અને મરાઠીમાં આ ફિલ્મ બનાવવામાં આવી છે.

અવૉર્ડ લેતી વખતે પાયલે કહ્યું કે, ‘હું ખૂબ નર્વસ છું. કાન ફિલ્મ-ફેસ્ટિવલે અમારી ફિલ્મને આ અવૉર્ડથી સન્માનિત કરી એ માટે આભાર. પ્લીઝ, હવે કોઈ ભારતીય ફિલ્મને અહીં આવવા માટે ૩૦ વર્ષ સુધી રાહ ન જોવડાવતા.’

કોણે-કોણે આપી શુભેચ્છા?

નરેન્દ્ર મોદીનો મેસેજ
પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ પાયલ કાપડિયાની ફિલ્મની પ્રશંસા કરતાં ટ્વીટ કર્યું કે ‘પાયલ કાપડિયાએ ૭૭મા કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં તેના કામ ‘ઑલ વી ઇમૅજિન ઍઝ લાઇટ’ દ્વારા ઇતિહાસ રચી દીધો છે અને ભારતને તેના પર ગર્વ છે. ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની સ્ટુડન્ટે તેની અદ્ભુત ટૅલન્ટ દ્વારા દુનિયાભરમાં દેખાડી દીધું છે કે ભારતમાં અદ્ભુત ક્રીએટિવિટી છે. તેને મળેલું સન્માન તેની સ્કિલની પ્રશંસા કરવાની સાથે ભારતની આગામી ફિલ્મમેકરની જનરેશનને પ્રેરિત કરશે.’

કરણ જોહર
ઇતિહાસ રચવામાં આવ્યો છે. ભારતીય સિનેમા માટે આ ગર્વ લેવા જેવી ક્ષણ છે. ‘ઑલ વી ઇમૅજિન ઍઝ લાઇટ’ને ગ્રાં પ્રિ અવૉર્ડ મળ્યો એ માટે પાયલ કાપડિયા અને તેની ટીમને ખૂબ અભિનંદન. 

ફરહાન અખ્તર​
પાયલ કાપડિયા અને તેની ટીમને દિલથી અભિનંદન. ‘ઑલ વી ઇમૅજિન ઍઝ લાઇટ’ કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં ગ્રાં પ્રિ અવૉર્ડ જીતનારી પહેલી ભારતીય ફિલ્મ બની ગઈ છે. 

શેખર કપૂર
પાયલ કાપડિયાની ‘ઑલ વી ઇમૅજિન ઍઝ લાઇટ’ કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં ગ્રાં પ્રિ અવૉર્ડ જીતી છે. તેના અને તેની ટીમ માટે સન્માનની બાબત છે. એવું લાગે છે કે કાન ફિલ્મ-ફેસ્ટિવલનું આ વર્ષ ભારતને સમર્પિત છે. ભારતીય સિનેમા માટે આ વર્ષનો સૌથી મોટો અવૉર્ડ છે.

રિચા ચઢ્ઢા
ઇતિહાસ રચી દીધો છે. પાયલ કાપડિયા, રણબીર દાસ, કની કસ્તુરી, દિવ્યા પ્રભા, છાયા કદમ અને ‘ઑલ વી ઇમૅજિન ઍઝ લાઇટ’ની આખી ટીમને કૉન્ગ્રેચ્યુલેશન્સ. ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મમેકિંગ ખૂબ અઘરું હોય છે અને એમાં પણ ગ્રાં પ્રિ અવૉર્ડ જીતવો, ઉફ્ફ! ખૂબ ખુશી થઈ છે.

આલિયા ભટ્ટ
સલામ છે તેમને. અદ્ભુત સિદ્ધિ તેમણે મેળવી છે. આખી ટીમને અભિનંદન.

આયુષમાન ખુરાના
ઇતિહાસ રચી દીધો છે. અમને સૌને પ્રેરિત કર્યા છે. ‘ઑલ વી ઇમૅજિન ઍઝ લાઇટ’ની આખી ટીમને દિલથી અભિનંદન.

ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ​ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા
અમારા માટે આ ગર્વની ક્ષણ છે કે ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ​ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની એક્સ-સ્ટુડન્ટે કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં ઇતિહાસ રચી દીધો છે. ૭૭મો કાન ફિલ્મ-ફેસ્ટિવલ ભારત માટે ખૂબ અગત્યનો રહ્યો છે. સિનેમાના મેગા ઇન્ટરનૅશનલ સ્ટેજ પર જે સિદ્ધિ મળી છે એને ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ​ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા હંમેશાં માણતી રહેશે.

cannes film festival entertainment news bollywood bollywood news narendra modi karan johar farhan akhtar shekhar kapur richa chadha richa chadda alia bhatt ayushmann khurrana film and television institute of india