યુરિન-થેરપી બદલ ટ્રોલ કરનારા લોકોને પરેશ રાવલે આપ્યો વળતો જવાબ

24 July, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે સ્પષ્ટતા કરી કે આ મારા જીવનની એક ઘટના છે જે ૪૦ વર્ષ પહેલાં બની હતી

પરેશ રાવલ

થોડા સમય પહેલાં પરેશ રાવલે કહ્યું હતું કે એક તબક્કે જ્યારે તેમને પગના ઘૂંટણમાં ઇન્જરી થઈ હતી ત્યારે તેમણે ફાઇટમાસ્ટર વીરુ દેવગનની સલાહ માનીને સારવારના ભાગરૂપે પોતાનું યુરિન પીધું હતું. પરેશ રાવલના આ ખુલાસાથી ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું અને સોશ્યલ મીડિયા પર ઘણા યુઝર્સે પરેશ રાવલની મજાક ઉડાડી હતી અને તેમને ટ્રોલ કર્યા હતા.

હવે આ આખા વિવાદ પર પરેશ રાવલે પ્રતિક્રિયા આપી છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ‘મેં તે લોકોને તો યુરિન નથી આપ્યુંને? કે પછી શું તેમને એ વાતની સમસ્યા છે કે મેં તેમને નથી આપ્યું? શું તેમને લાગે છે કે યાર, આ એકલો પી ગયો અને અમને નથી આપ્યું? આ મારા જીવનની એક ઘટના છે જે ૪૦ વર્ષ પહેલાં બની હતી. આ ઘટના હું બોલી ગયો એમાં શું થઈ ગયું? લોકોને રાઈનો પહાડ બનાવવામાં મજા આવે છે. તો તેમને મજા કરવા દો.’

પરેશ રાવલે આ ઇન્ટરવ્યુમાં દાવો કર્યો કે તેમના યુરિનનું સેવન કરવાના ખુલાસા બાદ ઘણા લોકોએ તેમનો સંપર્ક કર્યો હતો, પરંતુ હવે તેઓ આ વિશે વધુ વાત કરવા નથી માગતા.

paresh rawal bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news