સતીશ કૌશિક તેમનો ઇરાદો બદલે એ પહેલાં જ કાગઝ સાઇન કરી હતી પંકજ ત્રિપાઠીએ

28 December, 2020 10:31 PM IST  |  Mumbai | PTI

સતીશ કૌશિક તેમનો ઇરાદો બદલે એ પહેલાં જ કાગઝ સાઇન કરી હતી પંકજ ત્રિપાઠીએ

સતીશ કૌશિક

‘કાગઝ’ને લઈને પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ડિરેક્ટર સતીશ કૌશિક તેમનો ઇરાદો બદલી દે એ પહેલાં જ તેણે આ ફિલ્મ માટે હા કહી દીધી હતી. આ ફિલ્મ ભરતલાલ એટલે કે આઝમગઢના લાલ બિહારી પર આધારિત છે જેણે પોતે જીવિત છે એ સાબિત કરવાની લડાઈ ૧૮ વર્ષ સુધી લડી હતી. તેની લાઇફથી પંકજ ત્રિપાઠી ખૂબ પ્રભાવિત થયો છે. સલમાન ખાન પ્રેઝન્ટ ‘કાગઝ’ને ૭ જાન્યુઆરીએ Zee5 પર રિલીઝ કરવામાં આવશે.
તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ માટે તરત હા પાડવા બદલ પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘સતીશ કૌશિકે જે સમયે સ્ટોરી નરેટ કરી હતી મેં તરત જ તેને હા કહી હતી. મેં તરત જ તેમને કહ્યું કે હું મારી ડેટ્સ સાથે તૈયાર છું, મને માત્ર એટલું કહો કે મારે ક્યારે આવવાનું છે. એક ઍક્ટર તરીકે તમે એવી સ્ક્રિપ્ટ્સ શોધો છો કે તમને લાગે કે તમે આ સ્ટોરીને લાયક છો. એ જ બાબત મને ‘કાગઝ’માં પણ દેખાઈ. તેઓ પોતાનો ઇરાદો બદલી દે એ પહેલાં જ મેં ફિલ્મ માટે હા પાડી દીધી હતી.’
2012માં આવેલી ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ બાદ પંકજને ઓળખ મળી છે. તેણે ૧૦ વર્ષ સુધી સ્ટ્રગલ કરી હતી. પોતાની સ્ટ્રગલ વિશે પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘મારે ખૂબ સ્ટ્રગલ કરવી પડી હતી. જોકે એ તો કામનો જ એક ભાગ છે. જ્યાં સુધી ઍક્ટરને તેની ઓળખ ન મળે ત્યાં સુધી તે ગુમનામીમાં હોય છે. અનેક લોકો મુંબઈમાં ઍક્ટર બનવાની ઇચ્છાથી આવતા હોય છે. સિનેમામાં ઓળખ મેળવવાની એક લડાઈ લડવાની હોય છે. ‘કાગઝ’માં પણ ઓળખ સાબિત કરવાની લડાઈ દેખાડવામાં આવી છે. મારી સ્ટ્રગલ તો ખૂબ લાંબી ચાલી હતી, પરંતુ એ સંતોષજનક અને ફળદાયી છે. એના કારણે જ મને જીવન જીવવાનો ખરો બોધપાઠ મળ્યો છે.’

satish kaushik pankaj tripathi entertainment news