શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું પાર્થિવ શરીર ન્યૂજર્સીથી મુંબઈ આવ્યું

19 August, 2020 08:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું પાર્થિવ શરીર ન્યૂજર્સીથી મુંબઈ આવ્યું

પંડિત જસરાજ (ફાઈલ તસવીર)

સ્વર્ગસ્થ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું પાર્થિવ શરીર ન્યૂ જર્સીથી મુંબઈમાં લાવવામાં આવ્યું છે. તેમના કુટુંબના મીડિયા કોર્ડિનેટર પ્રિતમ શર્માએ કહ્યું કે, પંડિત જસરાજના વર્સોવાના ઘરમાં ગુરુવારે અંતિમ દર્શન થશે અને તે પછી વિલે પાર્લેના પવન હંસ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમને રાષ્ટ્રીય સન્માન સાથે અગ્નિસંસ્કાર આપવામાં આવશે અને 21 તોપોની સલામી આપવામાં આવશે.

90 વર્ષના જસરાજ છેલ્લા કેટલાક સમયથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં જ રહેતા હતા. અમેરિકાના ન્યૂજર્સીમાં તેમણે અંતિમ શ્વાસ લીધા આ બાબતની માહિતી તેમની દીકરી દુર્ગા જસરાજે આપી છે. પંડિત જસરાજનો ભાવનાત્મક અને મધુર અવાજ સંગીતની એક તીવ્ર ભાવનાત્મક અભિવ્યક્તિ બની જતો.

ડિઆસપોરા ઓર્ગેનાઈઝેશન, યુએસ ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિયેશન્સ (FIA)ના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ આલોક કુમારે ન્યૂજર્સીના હાઈલેન્ડ પાર્કના હિન્દુ ફ્યૂનરલ હોમમાં પંડિત જસરાજને શ્રદ્ધાંજલી આપી હતી. આલોકે કહ્યું કે, આ સ્થળે મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલી અર્પણ કરવા આવ્યા હતા. જોકે મહામારીના લીધે સોશ્યિલ ડીસ્ટન્સિંગને ધ્યાનમાં રાખતા એક સમયે અમૂક જ લોકોને પ્રવેશવાની પરવાનગી આપવામાં આવતી હતી.

entertainment news bollywood bollywood news indian classical music