કોઈ પણ મોટા ડિરેક્ટર્સ મને ડિરેક્ટ નથી કરતા : અક્ષય

05 December, 2019 10:02 AM IST  |  Mumbai

કોઈ પણ મોટા ડિરેક્ટર્સ મને ડિરેક્ટ નથી કરતા : અક્ષય

અક્ષય કુમાર

અક્ષયકુમારનું કહેવું છે કે તેને બૉલીવુડમાં કોઈ પણ મોટા ફિલ્મમેકર ડિરેક્ટ નથી કરતા. અક્ષયકુમાર હાલમાં કરણ જોહરના પ્રોડક્શન-હાઉસની ‘ગુડ ન્યુઝ’માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મના પ્રમોશન દરમ્યાન કરણ જોહરે કહ્યું હતું કે અક્ષયકુમાર એવી વ્યક્તિ છે જે મોટા ભાગે નવા ડિરેક્ટર સાથે કામ કરે છે. કરણના આ ઑબ્ઝર્વેશનનો જવાબ આપતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘હું નવા ડિરેક્ટર્સ સાથે એટલા માટે કામ કરું છું કે કોઈ પણ મોટા ડિરેક્ટર્સ મને સિલેક્ટ નથી કરતા. આ એક સત્ય છે. મોટા ડિરેક્ટર્સ તમને પસંદ નથી કરતાં ત્યારે તમારે પોતાની પસંદગી જાતે કરવાની હોય છે. તમને (પત્રકારને) જ્યારે મોટા પબ્લિકેશનમાં નોકરી નથી મળતી ત્યારે તમે નાના પબ્લિકેશનમાં કામ કરો છે અને પછી ત્યાંથી જમ્પ મારો છો. તમે કૅપેબલ હોવા છતાં મોટા ડિરેક્ટર્સ કેમ તમને પસંદ નથી કરી રહ્યાં એ વિશે ઘરે બેસીને વિચારીને તમે સમય બરબાદ ન કરી શકો.’
બૉલીવુડના ડિરેક્ટર્સ ફક્ત ખાન સાથે જ કામ કરવાનું પસંદ કરે છે એ વિશે પૂછતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘તેઓ એવી વ્યક્તિ પાસે જાય છે જેઓ ડિઝર્વ કરતી હોય. તમે જોઈ શકો છો કે ખાન એકલા નથી. કપૂર્સ અને અન્ય વ્યક્તિઓ પણ છે જેઓ મોટા ડિરેક્ટર્સ સાથે કામ કરે છે. મને લાગે છે કે હું ડિઝર્વ નથી કરતો એથી હું મારી રીતે એ કમાઇશ.’
અક્ષયકુમારનું કહેવું છે કે મોટા ડિરેક્ટર્સ તેની ફિલ્મોને પ્રોડ્યુસ કરે છે, પરંતુ તેને ડિરેક્ટ નથી કરતાં. સંજય લીલા ભણસાલી અને કરણ જોહરના પ્રોડક્શન-હાઉસની ફિલ્મો સાથે અક્ષયકુમારે ઘણીવાર કામ કર્યું છે. આદિત્ય ચોપડાની ‘પૃથ્વીરાજ’માં પણ તે કામ કરી રહ્યો છે. આ વિશે જણાવતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘મારી પાસે હજી પણ કોઈ મોટા ડિરેક્ટર્સ નથી. તેઓ મારી સાથે ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યાં છે, પરંતુ તેઓ મને ડિરેક્ટ નથી કરી રહ્યાં. કરણ જોહરને તમે આ વિશે પૂછી શકો છો. તેમ જ આદિત્ય ચોપડાને પણ તમે આ વિશે પૂછી શકો છો.’
નવા ડિરેક્ટર્સ સાથે કામ કરવાના અનુભવ વિશે અક્ષયકુમારે કહ્યું હતું કે ‘મારી ‘ગુડ ન્યુઝ’નો ડિરેક્ટર રાજ મેહતા મારો ૨૧મો નવો ડિરેક્ટર છે. મેં જે પણ પહેલાંના ડિરેક્ટર્સ સાથે કામ કર્યું છે એમના કરતા નવા ડિરેક્ટરમાં સારું કામ કરવાની લાલચ વધુ હોય છે. તેમના માટે આ ફિલ્મ કરો યા મરો ની હોય છે કારણ કે તેઓ વિચારતા હોય છે કે આ ફિલ્મ તેમણે સારી ન બનાવી તો તેમનું કરીઅર પૂરી થઈ જશે.’

આ પણ જુઓઃ ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ અવૉર્ડમાં ઉમટ્યા સિતારાઓ, જુઓ દિલકશ તસવીરો

હું કોઈ દિવસ પણ નવા ડિરેક્ટર્સને ગાઈડ નથી કરતો. મારું કોઈ ઇનપુટ નથી હોતું. મેં કોઈ સ્કૂલ નથી ખોલી. તેઓ આવે છે અને તેમનું કામ કરે છે. તેઓ સારું કામ કરે છે એટલે જ તેઓ મારી સાથે છે
- અક્ષયકુમાર

ડિરેક્ટર કરતાં હું સ્ક્રિપ્ટ અને સ્ક્રીનપ્લેને વધુ મહત્ત્વ આપું છું. એ જો સારું હોય તો ૬૦ ટકા કામ ઑટોમેટિક સારું થઈ જાય છે. બાકીનું ૪૦ ટકા કામ ડિરેક્ટર કરે છે
- અક્ષયકુમાર

akshay kumar entertaintment