23 November, 2026 12:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીતીશ ભારદ્વાજ
ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ બૉક્સ-ઑફિસ પર કમાણીના નવા રેકૉર્ડ બનાવી રહી છે, પણ ફિલ્મમાં પાત્રોનાં ચિત્રણને લઈને વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે આ ચર્ચામાં બી.આર. ચોપડાની ઐતિહાસિક ધારાવાહિક ‘મહાભારત’માં ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવીને લોકપ્રિય બનેલા નીતીશ ભારદ્વાજ પણ જોડાયા છે. નીતીશ ભારદ્વાજે ફિલ્મની આકરી ટીકા કરતાં એને એક ખાસ એજન્ડા હેઠળ બનાવવામાં આવેલી ફિલ્મ ગણાવી છે. આ સાથે જ તેમણે સરકાર પાસે ફિલ્મના ફન્ડિંગની તપાસ કરવાની માગણી પણ કરી છે.
ખાસ વાત તો એ છે કે ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં ટ્રેલર સામે આવ્યું ત્યારે નીતીશ ભારદ્વાજે એની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે ફિલ્મના ભવ્ય વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને એ. આર. રહમાન તથા હૅન્સ ઝિમરના સંગીત પર વિશ્વાસ વ્યક્ત કરતાં ત્યાં સુધી કહ્યું હતું કે આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવશે અને ઑસ્કર પણ જીતી શકે છે. જોકે થિયેટરમાં આખી ફિલ્મ જોયા બાદ તેમનો અભિપ્રાય સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.
નીતીશ ભારદ્વાજે ફિલ્મમેકરો પર મહાકાવ્યની મૂળ ભાવના સાથે ચેડાં કરવાનો આરોપ લગાવીને કહ્યું હતું કે ‘ફિલ્મમાં રાવણને અત્યંત ઉદાર, સામાજિક રીતે ન્યાયપ્રિય અને નિષ્પક્ષ શાસક તરીકે રજૂ કરવામાં આવ્યો છે. રાવણનાં નકારાત્મક પાસાં બિલકુલ દર્શાવવામાં આવ્યાં નથી. તેનું પાત્ર કોઈ ‘માર્ક્સવાદી કમ્યુનિસ્ટ નેતા’ જેવું લાગે છે. જો રાવણ આટલો મહાન હતો તો પછી ધર્મ અને મર્યાદાની સ્થાપના માટે ભગવાન વિષ્ણુએ રામ અવતાર ધારણ કરવાની જરૂર જ શું હતી? ફિલ્મમાં ભગવાન રામને એક સામાન્ય અને ભાવહીન ચહેરો ધરાવતા નબળા માણસ તરીકે દર્શાવવામાં આવ્યા છે. અયોધ્યા છોડતી વખતે રામને રડતા બતાવવાનું દૃશ્ય ઇક્ષ્વાકુ વંશની મર્યાદા અને ‘પ્રાણ જાએ પર વચન ન જાએ’ એવી રઘુકુળની રીતથી તદ્દન વિપરીત છે.’
નીતીશ ભારદ્વાજે ચિંતા વ્યક્ત કરી છે કે આજની યુવા પેઢી મૂળ ગ્રંથો વાંચતી નથી. ‘રામાયણ’નો બીજો ભાગ ૨૦૨૮ની દિવાળીમાં રિલીઝ કરવાનો પ્રસ્તાવ છે. એવામાં આગામી બે વર્ષ સુધી યુવા-દર્શકોનાં મનમાં રાવણની છબી એક ‘કૂલ હીરો’ તરીકે જળવાઈ રહેશે. તેમણે સવાલ કર્યો કે જ્યારે પહેલા ભાગમાં રામને આટલા નબળા અને રાવણને નાયક તરીકે રજૂ કરવામાં આવ્યા છે ત્યારે બીજા ભાગમાં રામ દ્વારા રાવણનો વધ દર્શાવવામાં આવશે ત્યારે દર્શકો એને કેવી રીતે સ્વીકારશે? આ ઉપરાંત નીતીશ ભારદ્વાજે ફિલ્મ-નિર્માણમાં વપરાયેલાં નાણાં સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે ‘પ્રોડક્શન કંપનીમાં લક્ઝમબર્ગ, UAE અને સિંગાપોરથી નાણાં આવ્યાં છે. આ ‘નવા અંગ્રેજો’ના સિનેમા દ્વારા ભારતીય સભ્યતા અને સનાતન સંસ્કૃતિને નીચી દેખાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર આ મામલે મૌન તોડીને ફિલ્મનાં નાણાં ક્યાંથી આવ્યાં એની ઊંડાણપૂર્વક તપાસ કરાવે.’