નિતેશ તિવારી માટે દીકરી સિનેમૅટોગ્રાફર બની

08 May, 2020 08:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નિતેશ તિવારી માટે દીકરી સિનેમૅટોગ્રાફર બની

ફિલ્મમેકર નિતેશ તિવારી માટે તેની સાડાનવ વર્ષની દીકરી અમારિસા સિનેમૅટોગ્રાફર બની હતી. ‘કૌન બનેગા કરોડપતિ’ના પ્રોમોના શૂટિંગ માટે એક સ્ક્રૅચ પ્રોમો નિતેશ તિવારી પર શૂટ કરવામાં આવ્યો હતો. એના માટે તેની દીકરી સિનેમૅટોગ્રાફર બની હતી. આ વિશે વિસ્તારમાં જણાવતાં નિતેશ તિવારીએ કહ્યું હતું કે ‘મેં પહેલી વખત આવું કંઈ કર્યું હતું. મેં કદી પણ મારા સ્ટારથી દૂર રહીને શૂટિંગ નથી કર્યું. જોકે મારા માટે આ અનુભવ પણ ઇન્ટરેસ્ટિંગ રહ્યો હતો. આ કૅમ્પેન વિશે જ્યારે અમે લખી રહ્યા હતા ત્યારે અમને શૂટિંગ સાથે સંકળાયેલા પ્રતિબંધ વિશે પણ માહિતી હતી. એથી એને લઈને અમને વધુ મહત્ત્વાકાંક્ષા પણ નહોતી. અમે એને સરળ બનાવ્યું છે. આ તમામ શૂટિંગ માટે અને શૂટિંગ સરળતાથી પાર પાડવા માટે મેં મિસ્ટર બચ્ચન સાથે ઘણી ચર્ચા કરી હતી. તેમણે ઘરે એકલા રહીને જ શૂટિંગ કરવાનું હતું. મેં તેમના માટે સ્ક્રૅચ ફિલ્મ મારા પર શૂટ કરીને મોકલી હતી. મારી દીકરીએ સિનેમૅટોગ્રાફર તરીકે કામ કર્યું હતું. મેં એને એડિટ કરી હતી અને તેમને મોકલી હતી જેથી તેમને એક આઇડિયા મળી રહે કે મને કેવી રીતે પ્રોમો જોઈએ છે. બાકીનું તો મિસ્ટર બચ્ચને કર્યું હતું. તેમણે ખૂબ જ સારી રીતે કર્યું હતું. મને જો જરૂર પડે તો એ માટે તેમણે તો સાથે જ પર્યાયરૂપે કેટલાક ટેક્સ પણ મોકલી આપ્યા હતા. ત્યાર બાદ અમે પોસ્ટ-પ્રોડક્શનનું કામ કર્યું હતું. દરેક જણ પોતાના ઘરમાં જ બેઠું હતું.’

entertainment news bollywood bollywood news nitesh tiwari